અંતરિક્ષમાં સ્થિત ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં અવકાશયાત્રીઓનું ઘર છે. તેઓ અહીં રહે છે, ખાય છે, પીવે છે અને કામ કરે છે. આવી સ્થિતિમાં રોજબરોજનો કચરો એ એકદમ સામાન્ય વાત છે. અવકાશયાત્રીઓ આ કચરો એકઠો કરીને અવકાશયાનની મદદથી પૃથ્વી પર મોકલી રહ્યા છે, પરંતુ હવે તેમને વેસ્ટ મેનેજમેન્ટની એક અલગ જ રીત જોવા મળી છે.
તાજેતરમાં જ ISSનો 78 કિલો કચરો ખાસ ટ્રેશબેગમાં નાંખી ધરતી તરફ મોકલવામાં આવ્યો છે. આ ટ્રેશબેગ નાસાના જોનસન સ્પેસ સેન્ટર અને ખાનગી કંપની નેનોરોક્સ સાથે મળીને તૈયાર કર્યું છે. આ સ્પેસના કચરાંને હેન્ડલ કરવા માટે તે એક અનોખી તકનીક છે. હાર્વર્ડ સ્મિથસોનિયસ સેન્ટર ફોર એસ્ટ્રોફિઝિક્સના ખગોળશાસ્ત્રી જોનાથન મેકડોવેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, આ કચરાંપેટી 250 કિગ્રા વજનદાર અને 1.5 મીટર લાંબી છે. તેઓ આ બેગને ટ્રેક કરી રહ્યા છે.
નેનોરોક્સના જણાવ્યા મુજબ ટ્રેશબેગમાં વપરાયેલ ફોમ, પેકિંગ સામગ્રી, કાર્ગો ટ્રાન્સફર બેગ, ઓફિસનો સામાન, અવકાશયાત્રીઓના હાઈજીન પ્રોડક્ટ અને તેમના કપડાં હતા. મેકડોવેલ અને નેનોરોક્સે તે પૃથ્વી પર ક્યારે પહોંચશે? તે વિશે કોઈ માહિતી આપી નથી. તમને જણાવી દઈએ કે પહેલાં ISS ક્રૂને કાર્ગો શિપ આવવાની રાહ જોવી પડતી હતી. તે આવે ત્યાં સુધી તેમણે તેમનો કચરો ભેગો કર્યો હતો અને તેમને તેમની પાસે રાખ્યો હતો. ત્યારબાદ ક્રૂ આ શિપમાં કચરો ભરીને પૃથ્વી પર મોકલશે. તે ગ્રહના વાતાવરણમાં આવતાંની સાથે જ સંપૂર્ણપણે બળી જતું હતું, પરંતુ ટ્રેશબેહની આ તકનીક ઘણી સારી અને બજેટ ફ્રેન્ડલી પણ છે.
મેકડોવેલ કહે છે, કે ટ્રેશબેગમાં સ્પેસનો કચરો મોકલવો એ કોઈ નવી વાત નથી. વર્ષ 1970 અને 1980ના દાયકામાં સોવિયેત સલયુત સ્પેસ સ્ટેશનનો ટ્રેશબેગમાં ભરીને પૃથ્વી તરફ ફેંકવામાં આવતો હતો. છેલ્લે સપ્ટેમ્બર 1996માં રશિયન સ્પેસ સ્ટેશન મીરથી ટ્રેશબેગ ફેંકવામાં આવી હતી, જે વર્ષ 1998માં પૃથ્વી પર આવી હતી.
નેનોરોક્સ મુજબ 4 અવકાશયાત્રીઓ એક વર્ષમાં લગભગ 2,500 કિલો કચરો પેદા કરી શકે છે. આ કચરો દર અઠવાડિયે 2 ડસ્ટબિનની સમકક્ષ છે. સમય જતાં વધુ લોકો અવકાશમાં જતા હોય છે અને રહે છે, તેથી આપણે યોગ્ય વેસ્ટ મેનેજમેન્ટ તકનીકની જરૂર છે. તમને જણાવી દઈએ, કે પૃથ્વીની જેમ હવે અંતરિક્ષમાં પણ કચરો વધવા લાગ્યો છે. આપણાં માથા પર 25,000થી વધુ નાના-મોટા ટુકડાઓ ફરતાં હોય છે. તેમની સ્પીડ 15 હજારથી લઈને 50 હજાર કિલોમીટર પ્રતિ કલાક સુધીની હોઈ શકે છે. જેમાં અનેક વર્ષ જૂનાં ઉપગ્રહોના ટુકડા, અંતરિક્ષ રોકેટ અને અન્ય નાના-નાના ટુકડાઓનો સમાવેશ થાય છે. નાસાનાં રિપોર્ટ મુજબ સરેરાશ દરરોજ એક કચરાની ટ્રેશબેગ સ્પેસથી પૃથ્વી પર પડે છે. આ કચરો પૃથ્વી અને અવકાશ બંને માટે સમસ્યા બની ગયાં છે.