દેશ અને દુનિયામાં એક તરફ કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે,અને દિવસે દિવસે કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે,ત્યારે હવે લાબાં સમયથી બંધ રાખવામાં આવેલ શાળાઓ ફરી શરૂ કરવા અંગે કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે. આના માટે કેન્દ્ર સરકાર 1 સપ્ટેમ્બરથી 14 નવેમ્બર સુધીમાં તબક્કાવાર શાળાઓ ફરી શરૂ કરવા સરકાર તૈયારીઓ કરી રહી છે.
કેન્દ્રીય આરોગ્યપ્રધાન ડૉ. હર્ષવર્ધનના વડપણમાં કોવિડ-19 મેનેજમેન્ટ માટે બનેલી મંત્રીઓની કમિટી સાથે સંકળાયેલા સચિવોની સમિતિ દ્વારા આ મુદ્દે વ્યાપક ચર્ચા કરવામાં આવી રહી છે. હાલ ચાલી રહેલા અનલોક 3.0 ઓગસ્ટની 31 તરીકે પૂર્ણ થઇ રહયું છે.
ત્યારબાદ, બાકીની પ્રવૃત્તિઓને પણ ખુલ્લી મુકવા અંગે રાજ્યો માટે જાહેર કરવામાં આવનાર આખરી ગાઈડલાઇનમાં શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓને પણ ખોલવામાં આવે તેવી જાહેરાત થઇ શકે છે. જોકે, વિદ્યાર્થીઓને કેવી રીતે શાળાએ બોલાવવા અને શાળાઓ ખોલવી કે નહિ તે અંગેનો આખરી નિર્ણય સરકારો પર છોડવામાં આવશે.
શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાના સંદર્ભમાં એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર નક્કી કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોસિજર નક્કી કરવામાં આવશે. આ પ્રોસિજર તૈયાર કરવા માટે સ્કૂલ શિક્ષણ વિભાગ દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
આ સર્વેમાં બાળકોના માતાપિતાએ પોતાની વાત રજુ કરી હતી. જેમાં સામે આવ્યું હતું કે વાલીઓ પોતાના બાળકોને કોરોના મહામારીના ભયને કારણે હાલ સ્કૂલે મોકલવા માંગતા નથી.ચર્ચામાં રાજ્ય સરકારોએ જણાવ્યું હતું કે આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને વધુ નુકશાન થઇ રહ્યું છે.
મળતી માહિતી મુજબ રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ ઓછું છે તેવા રાજ્યો મોટા ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ફરી શરૂ કરવા વધુ ઉત્સુક છે. આ માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલ ગાઇડલાઇન મુજબ જ તબક્કાવાર શાળાઓ ખોલવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી છે.