કોરોના વાયરસના સંક્રમણને જોતા હવે દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંકએ પોતાની શાખાઓને લઈ એક મહત્વનો નિર્ણય કર્યો છે. બેંકે શાખાઓના સમયમાં ફેરફાર કર્યો છે. સરકારી નિયમોનું પાલન થાય તે માટે બેંકે આ નિર્ણય કર્યો હોવાની માહિતી મળી છે.
એસબીઆઈએ પોતાની બ્રાન્ચના કામકાજના સમયમાં ફેરફાર કર્યો છે અને બ્રાન્ચમાં આવતા સ્ટાફમાં પણ ઘટાડો કર્યો છે. અલગ-અલગ રાજ્યોમાં એસબીઆઈ પોતાની બ્રાન્ચ અલગ-અલગ સમય પર ખોલી રહી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે એસબીઆઈએના મેનેજિંગ ડાયરેક્ટર પીકે ગુપ્તાએ માહિતી આપી કે કેટલાક રાજ્યોમાં અમે પોતાની બ્રાન્ચોને સવારે 7-10 વાગ્યે ખોલી રહ્યા છીએ તો કેટલાક અન્ય રાજ્યોમાં 8-11 અને 10-2 વાગ્યા સુધી ખોલી રહ્યા છે.
આ સાથે બેંકે લોકોને ડિજિટલ ચેનલોનો વધુ ઉપયોગ કરવા પણ વિનંતી કરી છે. બેંકે કહ્યું કે લોકો તેમના ઘરે સુરક્ષિત રહે અને ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી વધુ ટ્રાન્ઝેક્શન કરે. આ સાથે બેંકે ઓનલાઇન ફ્રોડથી પણ બચવા ગ્રાહકોને સૂચન આપ્યા છે.