રશિયાની કોરોના વેક્સીન સ્પુતનિક V ને એક્સપર્ટ કમિટીએ ઇમરજન્સીમાં ઉપયોગની મંજૂરી આપી દીધી છે. આ સાથે કોરોના સાથે નિપટવા માટે ભારતને ત્રીજી વેક્સીન મળી ગઈ છે. મળતી માહિતી મુજબ, દેશમાં કોવિશીલ્ડ અને કોવેક્સીનનો ઉપયોગ પહેલા જ થઇ રહ્યો છે.
હવે સ્પુતનિક V ને મંજૂરી મળ્યા પછી આ મહામારીથી નિપટવા માટે ડોક્ટરો પાસે વધુ એક હથિયાર આવી ગયું છે. ઉલ્લેખનીય છે કે સૌથી પહેલા રશિયાએ જ કોરોના વેક્સીન સ્પુતનિક V બનાવવાનો દાવો કર્યો હતો.
આ પહેલા એક રિપોર્ટમાં એ વાત સામે આવી હતી કે ભારતમાં ઓક્ટોબર સુધી પાંચ વેક્સીનને મંજૂરી મળી શકે છે. રિપોર્ટ પ્રમાણે આ વેક્સીન ડૉ રેડ્ડીઝના સહયોગથી તૈયાર થઇ રહેલી સ્પુતનિક V, બાયોલોજિકલ ઇ ના સહયોગથી બની રહેલી જોનસન એન્ડ જોનસનની વેક્સીન, સીરમ ઇન્ડિયાના સહયોગથી તૈયાર કરવામાં આવી રહેલી નોવાવેક્સ વેક્સીન, ઝાયડસ કેડિલા વેક્સીન અને ભારત બાયોટેકની ઇંટ્રાનસલ વેક્સીન છે.
આવામાં સ્પુતનિક V ને મંજૂરી મળ્યા પછી ભારતના ટિકાકરણ અભિયાન ઝડપથી આગળ વધી શકશે.