હાલ કોરોના વાયરસને મહામારી જાહેર કરવામાં આવી છે. સ્થિતિ કફોડી થઈ રહી છે ત્યારે વિવિધ સંગઠનો દ્વારા જરૂરિયાત મંદ લોકોની મદદ કરવામાં આવી રહી છે…ત્યારે હવે આ મહામારીમાં પીસાઈ રહેલ જરુરીયાતમંદોની વ્હારે ધાર્મિક સંસ્થાઓ પણ આગળ આવી છે.. વર્તમાન વૈશ્વિક કોરોના પ્રકોપને પગલે ૨૧ દિવસનાં ‘લોકડાઉન’માં જરૂરિયાતમંદ પરિવારોને સહાયરૂપ થવા માટે દૈનિક જરૂરિયાત એવા તાજાં અને ઉત્તમ ગુણવત્તાયુક્ત શાકભાજી પૂરી પાડવાની સેવા ગુરુવારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સહયોગથી શ્રીબોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) પૂરી પાડશે.
BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ જણાવ્યું છે કે વર્તમાન કોરોના મહામારીનાં કપરા સમયમાં મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના માર્ગદર્શન અને સહયોગથી તથા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વાદ સાથે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અમદાવાદ શહેર-જિલ્લાનાં જુદાં-જુદાં વિસ્તારમાં વસતા જરૂરિયાતમંદ દરિદ્રનારાયણ પરિવારોને શાકભાજી લેવા પણ બહાર ન જવું પડે તેવા ઉમદા હેતુ સાથે નિ:શુલ્ક શાકભાજી વિતરણ કરવામાં આવશે.ગુરુવારથી આ કાર્યનો પ્રારંભ થશે. જે અંતર્ગત સવારે ૭.૩૦થી ૯.૩૦ દરમિયાન તેનું વિતરણ શરુ કરવામાં આવ્યું છે. માસ્ક પહેરેલાં અને સેનિટાઇઝ્ડ થયેલા સ્વયંસેવકો દ્વારા હિંમતનગર, નેનપુર વગેરેનાં ખેતરમાંથી લાવવામાં આવેલા તાજાં અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શાકભાજીને બાયોડીગ્રેડેબલ બેગ્સમાં પેક કરીને અપાશે.આ સ્વાસ્થ્યપ્રદ શાકભાજીમાં પ્રત્યેક પરિવારને બે દિવસ સુધી ચાલે તેટલા પ્રમાણમાં બટાટા, રીંગણ, દૂધી, કોબીઝ, ટામેટા, મરચાં-લીંબુનો સમાવેશ થાય છે. ‘લોકડાઉન’નાં ત્રણ સપ્તાહ દરમિયાન દરરોજ અમદાવાદનાં અલગ-અલગ વિસ્તારમાં જઈને જરૂરિયાતમંદ પરિવારોને નિઃશુલ્ક આ શાકભાજી અપાશે.BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પૂજ્ય મહંતસ્વામી મહારાજે સૌને અપીલ કરતાં જણાવ્યું છે કે “વિશ્વના ઈતિહાસમાં કદાચ આટલું મોટું સંકટ ક્યારેય આવ્યું નહીં હોય. આ સંકટમાંથી સૌને ઉગારવા માટે સરકાર, આરોગ્ય તંત્ર તેમજ અનેક લોકો પોતાના જીવના જોખમે દિવસ-રાત પ્રયાસ કરી રહ્યાં છે, પરંતુ એમનો બોજ ઘટાડવા માટે, આપણી તથા સમાજની સલામતી માટે, સૌ પોતાના ઘરમાં જ રહે તે અતિ અતિ આવશ્યક છે.