અત્યારે કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યુ છે,ત્યારે મ્યુચ્યુઅલ ફંડ્સ પર લિક્વિડિટી પ્રેશર ઓછું કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આજે મ્યુચ્યુઅલ ફંડ્સ માટે રૂ. 50,000 કરોડની વિશેષ લિક્વિડિટી સુવિધાની જાહેરાત કરી છે. કેન્દ્રીય બેંકે કહ્યું છે કે તે કોરોના વાયરસના આર્થિક પ્રભાવને ઘટાડવા અને નાણાકીય સ્થિરતા જાળવવા માટે દરેક જરૂરી પગલા લેશે.
ગયા અઠવાડિયે ભારતની આઠમી સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ કંપની, ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડએ સ્વેચ્છાએ તેની છ લોન યોજનાઓ બંધ કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ રાહત આપવા માટે કેન્દ્રીય બેંકે આ પગલું ભર્યું હતું. કોરોના વાયરસ રોગચાળાને કારણે બોન્ડ માર્કેટમાં યુનિટ પાછું ખેંચવાનું દબાણ અને પ્રવાહિતાના અભાવને ટાંકીને ફ્રેન્કલિન ટેમ્પલટોને આમ કર્યું છે.
જોકે એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એએમએફઆઈ) એ રોકાણકારોને ખાતરી આપી છે કે સંપત્તિના સંચાલન હેઠળ નિશ્ચિત આવકના મ્યુચ્યુઅલ ફંડ્સમાં મોટાભાગના રોકાણ ઉચ્ચ ગુણવત્તાની સિક્યોરિટીઝમાં કરવામાં આવે છે. આ યોજનાઓમાં પૂરતી તરલતા છે, જે સામાન્ય કામગીરીની ખાતરી આપે છે. એમ્ફીએ રોકાણકારોને તેમના રોકાણ લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખવા અને તેમના નાણાકીય સલાહકારના સંપર્કમાં રહેવા જણાવ્યું છે.
જે યોજનાઓ બંધ થઈ છે તેમાં ફ્રેંકલીન ઈન્ડિયા લો ડ્યુરેશન ફંડ, ફેંકલીન ઈન્ડિયા ડાયનેમિક એક્યુરલ ફંડ, ફ્રેંકલીન ઈન્ડિયા ક્રેડિટ રિસ્ક ફંડ, ફ્રેંકલીન ઈન્ડિયા શોર્ટ ટર્મ ઈનકમ પ્લાન, ફ્રેંકલીન ઈન્ડિયા અલ્ટ્રા શોર્ટ બોન્ડ ફંડ અને ફેંકસીન ઈન્ડિયા ઈનકમ અપોચ્યુનિટી ફંડ સામેલ છે.