શ્રી કૃષ્ણ અને રાધાના પ્રેમના ઉદાહરણો આપણે અવારનવાર સાંભળીયે છીએ. વળી, બંનેની ગોકુલની લીલાઓ અને નટખટ પ્રસંગો તો કોઈ કેમ ભુલાવી શકે? રાધા અને કૃષ્ણનું મિલન તો જીવાત્મા અને પરમાત્માનું મિલન છે. રાધા અને શ્રી કૃષ્ણ એ 8 વર્ષે પ્રેમનો સાક્ષાત્કાર કર્યો હતો. રાધા ભગવાનની ખુબ નજીક હતી. જો કે રાધા અને કૃષ્ણના સંબંધની સૌથી ખાસ વાત એ હતી કે બંનેએ પોતાની પ્રેમની યાદોને જકડી રાખી હતી.
કહેવાય છે કે રાધા અને વાંસળી શ્રી કૃષ્ણની સૌથી નજીક હતા. અને આ બંને એટલે કે વાંસળી અને રાધા પણ એકબીજા સાથે એકદમ ગહેરાઈથી જોડાયેલી હતી. શ્રી કૃષ્ણની વાંસળીની ધુન સાંભળીને રાધા કૃષ્ણ પાસે આવતી હતી અને રાધાના કારણે જ કૃષ્ણ વાસળીને હંમેશા પોતાની પાસે રાખતા હતા.
કૃષ્ણ ભગવાનની દરેક પ્રતિમામાં વાસળી તો જોવા મળે જ છે. જે રાધાના પ્રેમનું પ્રતિક કહી શકાય. જો કે રાધાનું મૃત્યુ કઈ રીતે થયું તે માટે અલગ-અલગ વાર્તાઓ પ્રચલીત છે. પરંતુ એક ખુબ જાણીતી વાર્તા અહી રજુ કરવામાં આવી છે.
જયારે કંસનો નાશ કરવા કૃષ્ણ બલરામ સાથે મથુરા ગયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાની જુદાઈની પળ આવી પહોચી હતી. શ્રી કૃષ્ણએ રાધાને વચન આપ્યું હતું કે તેઓ જરૂર રાધા પાસે પરત ફરશે. પરંતુ કૃષ્ણ ભગવાનના લગ્ન રુકમણી સાથે થયા. રુકમણીએ પણ ભગવાન માટે ખુબ રાહ જોઈ હતી. ભગવાન સાથે લગ્ન કરવા માટે તેણીએ તેના ભાઈ રુક્મિ વિરુદ્ધ ગઈ હતી. રાધાની માફક રુકમણી પણ કૃષ્ણ ભગવાનને પ્રેમ કરતી હતી. અને તેણે ભગવાનને પત્ર લખી પોતાની સાથે લઇ જવા કહ્યું હતું અને ત્યારબાદ ભગવાન રુકમણીને લેવા ગયા હતા.
બસ, ત્યારબાદથી રાધાનું વર્ણન ખુબ ઓછું થઇ ગયું હતું. વૃંદાવનમાં જયારે છેલ્લીવાર રાધા અને કૃષ્ણ મળ્યા હતા ત્યારે રાધાએ કૃષ્ણને કહ્યું હતું કે, ભલે કૃષ્ણ તેનાથી દુર જઈ રહ્યા હોય પણ મનથી તે હંમેશા કૃષ્ણની પાસે રહેશે. મથુરામાં રાક્ષસોનો વધ કરી શ્રી કૃષ્ણ દ્વારકા ગયા અને દ્વારકાધીશના નામથી ઓળખાયા.
જયારે રાધાના જીવનમાં એક અલગ મોડ આવ્યો, રાધાના લગ્ન એક યાદવ સાથે થયા અને રાધાએ પોતાના દામ્પત્ય જીવનના દરેક પડાવ નિભાવ્યા અને વૃદ્ધ થઇ ગઈ. પરંતુ શ્રી કૃષ્ણ તેના મનમાં તો હતા જ.
બધા કર્તવ્ય પુરા થયા બાદ રાધા અંતે શ્રી કૃષ્ણને મળવા પહોચી. તેને ખબર પડી કે કૃષ્ણના લગ્ન રુકમણી અને સત્યભામા સાથે થયા છે પરંતુ તે વાતથી તે બિલકુલ દુખી થઇ ન હતી. કૃષ્ણ અને રાધા જયારે મળ્યા ત્યારે બંનેએ ઈશારોમાં જ ઘણી વાત કરી હતી. રાધાને દ્વારકામાં કોઈ જ ઓળખતું ન હતું. રાધા મહેલમાં રહેતી અને જયારે તક મળે ત્યારે ભગવાનના દર્શન કરતી હતી. પરંતુ તે કૃષ્ણ સાથેની આધ્યાત્મિકતાનો નાતો બાંધી શકતી ન હતી અને આથી જ તેણે મહેલની બહાર જવાનું નક્કી કર્યું.
ભગવાનને ખબર હતી કે રાધા ક્યાં જઈ રહી હતી. સમય પસાર થયો અને રાધા અશક્ત થઇ ગઈ. અને તેને કૃષ્ણની જરૂર પડી. રાધાના અંત સમયે ભગવાન તેમની સમક્ષ આવ્યા. કૃષ્ણએ રાધાને કૈક માંગવા કહ્યું પરંતુ રાધાએ મનાઈ કરી. કૃષ્ણએ ફરીવાર પૂછ્યું એટલે રાધાએ કૃષ્ણને વાંસળી વગાડવા અનુરોધ કર્યો. કૃષ્ણએ ખુબ સુંદર રીતે વાસળી વગાડી. કૃષ્ણએ દિવસ-રાત વાંસળી વગાડી અને રાધા આધ્યાત્મિક રીતે કૃષ્ણમાં વિલીન થઇ ગઈ અને પોતાનું શરીર ત્યજી દીધું.
ભગવાનનો પ્રેમ અમર હતો, આમ છતાં તે રાધાના મૃત્યુને જીલી ન શક્યા અને તેણે પોતાના પ્રેમનું પ્રતિક એવી વાંસળીને તોડી નાખી અને ત્યારબાદ ફરી ક્યારેય વાંસળી ન વગાડવાનો નિર્ણય કર્યો.
કહેવાય છે કે જયારે નારાયણ ભગવાને કૃષ્ણના રૂપમાં જન્મ લીધો ત્યારે લક્ષ્મીજીએ રાધાના રૂપમાં જન્મ લીધો હતો જેથી મૃત્યુ લોકમાં પણ તે ભગવાનની સાથે રહી શકે.