અફવા: ગુજરાત પોલીસે સત્તાવાર ચેતવણી બહાર પાડી છે કે જાહેરમાં PubG ગેમ રમનાર વ્યક્તિ વિરુદ્ધ કાયદેસર કડક કાર્યવાહી કરાશે. તેમજ અન્ય એક પોસ્ટ એવો દાવો કરે છે કે ‘મહારાષ્ટ્ર હાઈકોર્ટ’એ દેશભરમાં આ ગેમ પર પ્રતિબંધ મૂક્યો છે.
શું છે આ PubG ગેમ:
PubG(પ્લેયર્સ અનનોન બૅટલગ્રાઉન્ડ) એક જાણીતી મોબાઇલ ગેમ છે. વિશ્વભરના કરોડો લોકો આ ગેમથી આકર્ષાયા છે. આ ગેમના ચાહકોમાં ભારતના યુવાનો અને બાળકોની મોટી સંખ્યા છે. માર્ચ 2017માં PubG ગેમ રિલીઝ થઈ હતી. આ ગેમ જાપાનની થ્રિલર ફિલ્મ ‘બૅટલ રૉયલ’ પરથી પ્રભાવિત થઈને આ બનાવાઈ છે. ગેમ વિષે જણાવીએ તો PubG ગેમમાં 100 ખેલાડીઓ પૅરાશૂટ લઈને ટાપુ પર જાય છે, અને હથિયારો શોધે છે તેમજ છેલ્લે એક જ વ્યક્તિ બચે ત્યાં સુધીને એકબીજાને મારે છે. અને જયારે વિજેતા થાય છે ત્યારે ચીકન ડીનર લખીને આવે છે.
આ ફેક વાઇરલ પોસ્ટ વૉટ્સઍપ ગ્રૂપ્સ, ફેસબુક અને ટ્વિટર પર વહેતી થઈ હતી:
‘PubG પર ભારતમાં પ્રતિબંધ’ની હકીકત:
સોશિયલ મીડિયા પર આ નોટિસની તસવીર શેર કરાઈ રહી છે અને દાવો કરાઈ રહ્યો છે કે મહારાષ્ટ્ર હાઈકોર્ટે PubG પર પ્રતિબંધ મૂક્યો છે. મહારાષ્ટ્ર હાઈકોર્ટની કહેવાતી નોટિસ જોઈએ તો આ નોટિસમાં છાપેલા કોર્ટના નામથી જ શંકા ઉપજે છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્ર હાઈકોર્ટ નામની કોઈ સંસ્થા નથી. મહારાષ્ટ્ર રાજ્યની હાઈકોર્ટ બૉમ્બે હાઈકોર્ટ તરીકે ઓળખાય છે. તેમજ આ નોટિસમાં એવું પણ લખ્યું છે, કે “PubG ગેમ હવેથી ભારતમાં કામ નહીં કરે અને તેમણે ટેન્સેન્ટ ગેમ્સ કૉર્પોરેશનને પણ નોટિસ મોકલી છે.” જોવા જઈએ તો આ નોટિસમાં અનેક ભાષાકીય ભૂલો છે, સામાન્ય રીતે સત્તાવાર નોટિસમાં આ પ્રકારની ભૂલ ન હોય. જેમકે, નોટિસમાં “magistrates”ના બદલે “majestratives” લખ્યું છે. આ નોટિસ ‘પ્રિજજ’ હોદ્દાના નામથી જાહેર કરવામાં આવી છે. પણ ભારતીય કાયદા પ્રણાલીમાં આવો કોઈ જ હોદ્દો નથી. તેમજ આ હોદ્દાની રૂએ કે શ્રીનિવાસુલુએ સહી કરી છે. આ નામની કોઈ વ્યક્તિ મહારાષ્ટ્રની ન્યાયવ્યવસ્થામાં કામ કરતી હોવાના પુરાવા નથી.
‘ગુજરાત પોલીસના જાહેરનામા’ની હકીકત:
ગુજરાત પોલીસના જાહેરનામા તરીકે આ તસવીર શેર કરાઈ રહી છે. હવે ગુજરાત પોલીસના નામે ફરતા થયેલા જાહેરનામા વિશે વાત કરીએ તો, સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલી તસવીરમાં એક નોટિસ ચોંટાડેલી દેખાય છે. આ નોટિસમાં ગુજરાતી ભાષામાં લખાણ લખ્યું છે, “કોઈ પણ વ્યક્તિ જાહેરમાં PubG રમતા દેખાશે. તો તેની સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે તથા મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવશે.” નોટિસના આ પોસ્ટરની પ્રમાણભૂતતા પર અનેક સવાલ ઊઠે છે. આ નોટિસમાં કોઈ અધિકારીએ સહી નથી કરી અને એમાં તારીખનો પણ ઉલ્લેખ કર્યો નથી. તેમજ નોટિસના લખાણમાં કેટલીક વ્યાકરણની અને ભાષકીય ભૂલો પણ છે, આ પ્રકારની ભૂલો સામાન્ય રીતે નોટિસમાં હોતી નથી.
https://twitter.com/GujaratPolice/status/1077880878410412032
આવી ફેક પોસ્ટ ટ્વિટર પર પણ શેર કરાઈ રહી છે. ટ્વિટર યૂઝર ભગીરથસિંહ વાલાએ આ તસવીર ટ્વીટ કરી અને ગુજરાત પોલીસના સત્તાવાર ટ્વિટર હૅન્ડલને ટેગ કરીને પૂછ્યું કે આ જાહેરનામુ સાચું છે કે નહીં. ગુજરાત પોલીસના ટ્વિટર હૅન્ડલે જવાબ આપ્યો, “આ ફેક છે. ગુજરાત પોલીસ દ્વારા આવો કોઈ જ આદેશ જાહેર કરાયો નથી.”
ટેન્સેન્ટ ગેમ્સ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. તેમજ બહુ મોટી સંખ્યામાં લોકો આ ગેમ પ્રત્યે આકર્ષાય છે, પણ ભૂતકાળમાં આ ગેમના કારણે કેટલાક વિવાદ પણ સર્જાયા છે.