કોરોનાથી પ્રભાવિત દેશની અર્થવ્યવસ્થાને કઈ રીતે પાટા લાવી શકાય, તેની રણનીતિ નક્કી કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ નાણા મંત્રાલય અને વાણીજ્ય મંત્રાલયના ટોચના અધિકારીઓ સાથે મીટીંગ કરી રહ્યા છે. સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, પ્રધાનમંત્રી આ બંને મંત્રાલયોના ટોપ ૫૦ અધિકારીઓ પાસેથી દેશની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભવિષ્યની રણનીતિ પર અભિપ્રાય માંગી રહ્યા છે.
એના માટે પ્રધાનમંત્રીએ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દોઢ કલાક સુધી વાતચીત કરી. આ દરમિયાન અધિકારીઓએ પ્રેઝેન્ટેશન દ્વારા પોતપોતાના આઈડ્યા પણ રજુ કર્યા. આની પહેલા પ્રધાનમંત્રીએ આર્થીક સલાહકાર પરિષદની સાથે સાથે નાણા મંત્રાલય અને નીતિ આયોગના મુખ્ય આર્થિક સલાહકારો સાથે પણ મીટીંગ કરી હતી.
સુત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રધાનમંત્રીનું પૂરું ધ્યાન કોવીડ-૧૯ મહામારીના કારણે બજારમાં વસ્તુઓની માંગમાં થયેલા ઘટાડાને કારણે અર્થવ્યવથાની લથડેલી હાલત સુધારવામાં છે. આજ કારણોસર સરકારે મેં મહિનામાં ૨૦.૯૭ લાખ કરોડ રૂપિયાનું કોરોના પેકેજ જાહેર કર્યું હતું.
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે સરકાર દેશની અર્થવ્યવસ્થા પર કોરોનાની થયેલ અસરનું આકલન કરી રહી છે. પહેલાથી જ લથડેલી ભારતીય અર્થવ્યવસ્થાને કોરોનાએ જોરદાર ઝટકો આપ્યો છે.જેનાથી આખી અર્થવ્યવસ્થા પાટા પરથી ઉતરી ગઈ છે. હવે આને પાટા પર લાવવા માટે એડી-ચોટીનું જોર સરકાર લગાવી રહી છે. ખુદ પ્રધાનમંત્રીએ અર્થવ્યવસ્થા ઉદ્ધાર અભિયાનની લગામ પોતાના હાથમાં રાખી છે.