કોરોના વાયરસના કારણે લોકડાઉન રહેતા ભલે તમામ બિઝનેસને ભારે નુકસાન વેઠવું પડ્યું હોય પરંતુ દેશની જાણીતી અને વર્ષો જૂની બિસ્કીટ બ્રાન્ડ પારલે-જીએ રેકોર્ડ વેચાણ કર્યું છે અને છેલ્લા 82 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. માત્ર 5 રૂપિયામાં મળતું પારલે-જી બિસ્કીટનું પેકેટ લોકડાઉન દરમિયાન હજારો કિલોમીટર ચાલનારા પરપ્રાંતિઓ માટે પણ ખૂબ મદદરૂપ સાબિત થયું છે.
આપણે જણાવી દઈએ કે વર્ષ 1938થી લઈ અત્યાર સુધી પારલે-જી લોકો વચ્ચે એક ફેવરેટ બ્રાન્ડ બની છે. લોકડાઉન વચ્ચે પારલે-જી એ અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ બિસ્કીટ વેચવાનો રેકોર્ડ બનાવ્યો.
જો કે, પારલે કંપનીએ વેચાણ આંકડા તો જાહેર ન કર્યા પરંતુ કહ્યું કે માર્ચ, એપ્રિલ અને મે છેલ્લા 8 દાયકાઓમાં સૌથી સારા મહિનાઓ રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ પારલે પ્રોડક્ટ્સના હેડ મયંક શાહે કહ્યું કે કંપનીની કુલ માર્કેટ શેર 5 ટકા વધી છે. જેમાં 80-90 ટકા ગ્રોથ પારલે-જીના વેચાણથી થયો છે.
મીડિયા રિપોર્ટ મુજબ પારલે-જી સિવાય અન્ય કંપનીઓના બિસ્કીટ પણ છેલ્લા 3 મહિનામાં ઘણા વેચાયા હતા. નિષ્ણાતો મુજબ બ્રિટાનિયાના ગુડ ડે, ટાઇગર, મિલ્ક બિકિસ, બાર્બર્ન અને મેરી બિસ્કીટ સિવાય પારલેના ક્રેકજેક, મોનેકો, હાઇડ એન્ડ સીક જેવા બિસ્કીટ પણ ઘણા વેચાયા હતા.