રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી ફરી એકવાર એશિયાની સૌથી વધુ શ્રીમંત વ્યક્તિ બની ગયા છે. રીલાયન્સ જીયો અને ફેસબુક વચ્ચે થયેલ મોટી ડીલ બાદ મુકેશ અંબાણી એશિયાના સૌથી વધુ અમીર વ્યક્તિ બની ગયા છે. આ ડીલ બાદ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની સંપત્તિમાં ધરખમ વધારો થયો છે.
તેમણે જેક માને આ મામલે પાછળ છોડી દીધા છે. બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સના આંકડા મુજબ, અંબાણીની નેટવર્થમાં એક જ દિવસમાં 469 કરોડ ડોલર એટલે કે 34 હજાર કરોડ રુપિયાનો વધારો થયો છે.
વિશ્વના ધનિક વ્યક્તિઓની યાદીમાં હવે મુકેશ અંબાણી 16માં ક્રમાંકે પહોંચ્યા છે. જ્યારે ઈન્ડેક્સમાં જૈક મા 20માં ક્રમાંકે છે. તો એમેઝોનના સીઈઓ જૈફ બેજોસ હજુ પણ 14300 કરોડ ડોલરની નેટવર્ટ સાથે પ્રથમ નંબર પર છે.
મહત્વનું છે કે, ફેસબુક-જીયો સાથેની સમજૂતી હેઠળ ફેસબુકે જિયો પ્લેટફોર્મ્સમાં 9.9 ટકા હિસ્સો ખરીદ્યો છે એટલે કે ફેસબુક હવે જિયો લિમિટેડમાં રૂ. 43,574 કરોડનું મૂડીરોકાણ કરશે. આ સોદાને કારણે RILના બજાર મૂલ્યમાં રૂ. 45,527.62 કરોડ વધીને રૂ. 8,29,084.62 કરોડ થઈ ગયું હતું.