કોરોના વાઇરસની મહામારીના કારણે ભારતીય ક્રિકેટર્સ માર્ચ મહિનાથી ક્રિકેટના ગ્રાઉન્ડમાં ઊતર્યા નથી. કોવિડ-૧૯ના કારણે વિશ્વભરમાં વિવિધ ક્રિકેટ શ્રેણીઓ રદ થઇ ચૂકી છે પરંતુ હવે ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ટેસ્ટ શ્રેણી સાથે વિશ્વ ક્રિકેટની પુન: શરૂઆત થઇ ચૂકી છે.
આ સ્થિતિમાં બીસીસીઆઇ પોતાના કરારબદ્ધ ખેલાડીઓ માટે ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવાની યોજના તૈયાર કરી ચૂક્યું છે. ભારતીય ક્રિકેટ બોર્ડે આ કેમ્પ માટે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરાને પસંદ કર્યું છે તેવી આધારભૂત સૂત્રોથી માહિતી મળી છે.
કોરોના વાઇરસની મહામારીના કારણે સાવચેતીના પગલાંરૂપે પ્લેયર્સ અમદાવાદમાં કેમ્પ શરૂ થાય તે પહેલાં આઠથી ૧૦ દિવસ ક્વોરન્ટાઇન થાય તેવી સંભાવના છે. અત્યારે પ્લેયર્સે પોતપોતાના શહેરમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.
પરંતુ જ્યારે તેમને કેમ્પની ચોક્કસ તારીખ આપવામાં આવશે તેના પાંચ દિવસ પહેલાં તેઓ પોતાના શહેરમાં જ પ્રથમ તો ક્વોરન્ટાઇન થશે. ત્યારબાદ મેડિકલ ટેસ્ટ કરાવીને મોટેરા આવશે. આ દરમિયાન તેમને નાના ગ્રૂપમાં ફિઝિકલ ફિટનેસ માટે મંજૂરી આપવામાં આવી શકે છે.
ભારતીય ક્રિકેટર્સ માટેના ટ્રેનિંગ કેમ્પના સેન્ટર માટે મોટેરા સ્ટેડિયમ સહિત ધર્મશાલા અને બેંગ્લુરૂ ખાતેની નેશનલ ક્રિકેટ એકેડેમી પણ દાવેદાર હતા, પરંતુ ગયા શુક્રવારે બોર્ડની એપેક્સ કાઉન્સિલની બેઠકમાં મોટેરા ઉપર પસંદગી ઉતારવામાં આવી હતી તેવા સંકેત મળ્યા છે.
બેંગ્લુરૂ ખાતેની એનસીએમાં કેમ્પ માટે બોર્ડે તૈયારીઓ દર્શાવી નથી કારણ કે ત્યાં કોવિડ-૧૯ની સ્થિતિ હજુ યથાવત્ છે અને આગામી બે મહિના સુધી સ્થિતિમાં સુધારો થશે કે નહીં તેની ચિંતા છે. બીજી તરફ ધર્મશાલા ખાતે હજુ કોરોના વાઇરસના કારણે પરિસ્થિતિ વણસી નથી પરંતુ આ સેન્ટરમાં પ્લેયર્સના રહેવા માટેની મુખ્ય સમસ્યા છે. મોટેરા સ્ટેડિયમ તમામ અત્યાધુનિક સગવડો સાથે સજ્જ છે જેના કારણે આ સેન્ટરને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
ટ્રેનિંગ કેમ્પમાં બીસીસીઆઇ તમામ ખેલાડીઓની સ્વાસ્થ્યને વધારે પ્રાધાન્ય આપશે તે નિશ્ચિત છે. કોવિડ-૧૯ના કારણે ખેલાડીઓની સુરક્ષા જોખમમાં મુકાય નહીં તે માટે બોર્ડ પોતાની મેડિકલ તથા સિક્યોરિટી ટીમને મોટેરાનું નિરીક્ષણ કરવા માટે મોકલે તેવી સંભાવના છે.
બોર્ડ માટે સ્કીમ ઓફ થિંગ્સનો હિસ્સો છે તેવા જ ખેલાડીઓ માટે આ કેમ્પનું આયોજન કરશે. આ કેમ્પમાં આઇપીએલ માટે કોઇ પણ ફ્રેન્ચાઇઝી દ્વારા નહીં ખરીદવામાં આવેલા તથા મુખ્યત્વે ટેસ્ટ ક્રિકેટ માટે નિષ્ણાત ગણાતા ખેલાડીઓ ભાગ લે તેવી સંભાવના છે.
બીસીસીઆઇની ટી૨૦ લીગ આઇપીએલ યુએઇ ખાતે સપ્ટેમ્બરથી નવેમ્બરના ગાળામાં રમાય તેવી પૂરી સંભાવના છે. આ માટે ખેલાડીઓને પ્રેક્ટિસની સખત જરૂર છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે જે ખેલાડીઓ આઇપીએલમાં રમવા માટે જશે તેઓ કદાચ મોટેરા ખાતેના કેમ્પમાં ભાગ લેશે નહીં, પરંતુ આઇપીએલમાં નહીં રમનાર અને બીસીસીઆઇ સાથે કરારબદ્ધ ખેલાડીઓ કેમ્પમાં ભાગ લેશે.
આ ઉપરાંત આઇપીએલમાં રમનાર પરંતુ સમય હશે તો અન્ય કરારબદ્ધ ખેલાડીઓ પણ આ કેમ્પમાં ભાગ લઇ શકે છે. આઇપીએલમાં નહીં રમનાર ખેલાડીઓ માટે કેવી રીતે અને કેટલા સમયનો કેમ્પ યોજવો તે અંગેનો નિર્ણય એપેક્સ કાઉન્સિલની બેઠકમાં લેવાય તેવા સંકેત મળ્યા છે.