TikTok પર રાતોરાત વચગાળાનો પ્રતિબંધ આવી જતાં તેના કરોડો યુઝર્સને જોરદાર ઝટકો લાગ્યો છે. ત્યારે હવે ભારતીય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Roposo ચીનની એપ ટિકટોકને જોરદાર ટક્કર આપી રહી છે અને જબરદસ્ત પોપ્યુલર થઈ ગઈ છે. મંગળવારે રાતે ભારત સરકારે ટિકટોક સહિત ચીનની 59 એપ્સને દેશમાં બેન કરી દીધી છે. ટિકટોક બેન થતાં જ બુધવારે બપોર સુધીમાં તો રોપોસોને 48 લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી લીધી હતી.
રોપોસો એપના ડેવલપર્સને આશા છે કે તેમને એક દિવસમાં જ એક કરોડ જેટલાં યુઝર્સ મળી શકે છે. ગૂગલ પ્લેટ સ્ટોર મુજબ આ ભારતીય એપને અત્યાર સુધી 5 કરોડથી વધુ વાર ડાઉનલોટ કરવામાં આવી ચૂકી છે. ચીનની એપ્સ ટિકટોક, Bigo Live, Vigo Video અને Helo બેન થયા બાદ ભારતીય એપ ખૂબ જ ઝડપથી લોકો ડાઉનલોડ કરી રહ્યાં છે. રોપોસો સિવાય ચિંગારી એપ પણ લોકો ખૂબ ડાઉનલોડ કરી રહ્યાં છે.
ad tech unicorn InMobiના ફાઉન્ડર અને સીઈઓ નવીન તિવારીએ જણાવ્યું કે, વીડિયો શેરિંગ એપ રોપોસોને છેલ્લા કેટલાક અઠવાડિયામાં 10 ટકાથી વધુ ઉછાળો જોવા મળ્યો છે. ભારતીયો દ્વારા ચીનની એપ્સને અનઈન્સ્ટોલ કરવાને કારણે ભારતીય એપ્સને પ્રાધાન્ય મળી રહ્યું છે. ભારતીયોએ ટિકટોક, શેયરઈટ, કેમસ્કેનર, યૂસી ન્યૂઝ, વીચેટ, હેલો સહિતની ઘણી એપ્સને છેલ્લા ઘણાં સમયથી અનઈન્સ્ટોલ કરી રહ્યાં છે.
નવીન તિવારીએ આગળ જણાવ્યું, ભારતમાં એક આંત્રપ્રિન્યોર હોવાથી હવે ડિજિટલી આત્મનિર્ભર થવાનો સમય છે. આ એતિહાસિક છે કારણ કે ડિજિટલ કંપનીઓની કોઈ સીમા નથી હોતી અને ભારતની ડિજિટલી સેવી જનસંખ્યાને જોઈએ તો બહુ જ જરૂરી છે કે ભારત પાસે તેના ડેટાનો કંટ્રોલ હોય અને તેની સિક્યોરિટીની પણ દેખરેખ થાય. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા એપ્સ બેન કરવાનો નિર્ણય ખૂબ જ સાહસિક છે. Glance અને Roposo InMobiની બે એપ્સ છે.