મહારાષ્ટ્રમાં ફરીવાર લોકડાઉનને લંબાવી દેવામાં આવ્યું છે, રાજ્યમાં કોરોના વાયરસના ખતરાને જોતા ઉદ્ધવ સરકારે લોકડાઉન લાંબુ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં હવે 31 જુલાઈ સુધી લોકડાઉન લાગુ રહેશે. આ પહેલા લોકડાઉનને 30 જૂન સુધી લાગુ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે દેશમાં સૌથી વધુ કોરોના કેસ મહારાષ્ટ્રમાં જ છે.
રાજ્યના ચીફ સેક્રેટરી અજોય મેહતાએ આ આદેશ જાહેર કર્યો જેમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં કોરોના વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે. જેથી સંક્રમણને રોકવાના ઉપાય માટે કેટલાક નિર્ણય લેવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં 31 જુલાઈ સુધીની મધ્યરાત્રી સુધી લોકડાઉનનો આદેશ આપવામાં આવે છે.
જોકે આ લોકડાઉનમાં અત્યાર સુધી જેમ ચાલતું આવ્યું છે તેમ જ જરૂરી સામાનની દુકાનો ખુલતી જ રહેશે. આ સિવાય માનવામાં આવી રહ્યું છે કે ઓડ-ઇવન પદ્ધતિથી અન્ય દુકાનોને પણ ખોલી શકાય છે. ઓફીસમાં સીમિત સંખ્યામાં કર્મચારીઓને પરવાનગી આપવામાં આવશે. આ સિવાય રાજ્ય સરકારના બધા જ વિભાગો માટે પણ પહેલા જ દિશા નિર્દેશ આપી દેવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની પરિસ્થિતિ મુજબ જેતે કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર યોગ્ય નિર્ણય લઇ પ્રતિબંધ લાગુ કરી શકે છે. આ સિવાય કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે લોકોની અવર જવર અને ગેરજરૂરી ગતિવિધિ પર પ્રતિબંધ લાગી શકે છે.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે સતત કહેર વધી રહ્યો છે. રવિવારે જ કોરોના વાયરસના એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 5,493 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ કૂરના કેસની સંખ્યા 1,64,626 થઇ ગઈ છે જ્યારે 7,429 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.