હાલ રાજ્યમાં અનલૉકના તબક્કામાં કોરોનાની સ્થિતિ વિસ્ફોટક બનતી જાય છે. ગુજરાતમાં કોરોનાનાં કેસોની ગતિ રોકેટ ગતિએ આગળ વધી રહી છે. રાજ્યમાં હવે રોજનાં કોરોના કેસ નોંધાવવાનો આંક 800ને પાર થઈ ગયો છે. રાજ્યમાં ગઇકાલે કોરોનાના વધુ 875 કેસ નોંધાયા હતા. ત્યારે ગુજરાતમાં કોરોનાનું સંકટ વધતા રાજ્યમાં ફરી એકવાર લૉકડાઉન થઇ શકે તેવી અટકળો વહેતી થઇ હતી. પરંતુ આ વાતને સરકારે એક અફવા ગણાવી છે.
એવા સમાચારો વહેતા થયા હતા કે ગુજરાતમાં ફરી લોકડાઉન લાગૂ થઇ શકે છે અને રાજ્ય સરકાર પણ આના પર ગંભીર વિચારણા કરી રહ્યું છે. પરંતુ રાજ્ય સરકારના દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. મુખ્ય સચિવે કહ્યું છે કે, રાજ્યમાં ફરી લૉકડાઇન લાગી શકે તેવી ચર્ચા માત્ર અફવા છે. તેથી હવે રાજ્યમાં ફરી લૉકડાઉનની શક્યતા નહીં.
મહત્વનું છે કે, સોશિયલ મીડિયામાં આ પ્રકારના મેસેજ વાયરલ થયા હતા. આ એવા સમાચાર મળ્યા હતા કે, મુખ્ય સચિવે આજે 19 કલેક્ટર સાથે લૉકડાઉન અંગે બેઠકમાં કરી છે. પરંતુ આ સમાચાર સત્યથી વેગળા છે. આ અંગે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી હતી.
રાજ્યમાં દિવસે દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. અમદાવાદને બાદ કરતા ગુજરાતમાં કેસ વધી રહ્યા છે. નાના શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર વધવાના કારણે નિર્ણય લેવાઈ શકે છે. સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટમાં કોરોનાનો વિસ્ફટ થયો છે.
રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 40 હજાર 155 પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 2 હજાર 24 અને ડિસ્ચાર્જનો કુલ આંક 28 હજાર 183 પર પહોંચ્યો છે. સતત નવા નોંધાતા કેસોને કારણે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 9 હજાર 948 છે. જેમાંથી 68 દર્દીઓ વેન્ટિલેટર પર જ્યારે 9 હજાર 880 દર્દીઓની હાલત સ્થિર છે.