ચીનથી શરુ થયેલા કોરોના વાયરસનો ખતરો એ હદો વધ્યો છે કે આજે વિશ્વના અનેક દેશોમાં આ મહામારીએ ભારે આતંક મચાવ્યો છે.. કોરોના વાયરસે ભારતમાં પણ પગપેસારો કરી દીધો છે. જોકે કેન્દ્રની મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાના કારણે અત્યારે અન્ય દેશોની સરખામણીએ ભારત અત્યારે કોરોના સામે કન્ટ્રોલ મેળવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે..કોરોના વાયરસની મહામારીએ એક તરફ જ્યાં કહેવાતા સદ્ધર દેશોને પણ ઘમરોળી નાખ્યા છે, ત્યાં ભારત હવે વૈશ્વિક લીડર તરીકે ઉભરી રહ્યું છે. 130 કરોડની વસતિને એકસાથે લોકડાઉન કરવાના નિર્ણયથી લઇને ડિપ્લોમેસી લેવલે વિશ્વના અલગ અલગ દેશો સાથે સંકટ સમયે લડવામાં અગ્રેસર થવાની બાબત હોય તેમાં મોદી એક સક્રિય નેતા તરીકે ઉભરીને આવ્યા છે. વિકસિત દેશના નેતાઓ અને મીડિયા પણ આ બાબતની નોંધ લઇને ભારતની કામગીરીને બિરદાવી રહ્યા છે. કોરોના મહામારી સામે લડવા માટે વડાપ્રધાન મોદી જ સૌથી પહેલા નેતા છે જેમણે જોઇન્ટ એક્શન પ્લાન માટે અપીલ કરી હતી. સાર્ક દેશોએ પણ એ પહેલને બિરદાવીને તેમાં સામેલ થયા હતા. આ દેશોના વડાઓએ ભારત સાથે જોડાઇને આ મહામારી સામે લડવા માટેની વાત કહી હતી. એક દિવસ પહેલા જ વિકસિત દેશોના સમૂહ જી-20માં પણ વડાપ્રધાન મોદીના પ્રસ્તાવ બાદ જોઇન્ટ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને કોરોનાના લીધે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પડી રહેલા ખતરા અંગે ચર્ચા બાદ નિર્ણયો લેવામાં આવ્યા હતા.વડાપ્રધાન મોદીને યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સને પણ ફોન કરીને એકસાથે મળીને મહામારી સામે લડવા અંગે સંવાદ કર્યો હતો. તે સિવાય ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને પણ વડાપ્રધાન મોદીની કામગીરીની પ્રશંશા કરીને જી20 સમૂહને સાથે લાવવામાં તેમની ભૂમિકા બિરદાવી હતી.