રાષ્ટ્રીય આપત્તિ મેનેજમેન્ટ ઓથોરિટી એ તાજેતરમાં વાવાઝોડુ અને તોફાનમાં સુરક્ષિત કેવી રીતે રહેવું તે અંગેની માહિતી આપી છે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે, ત્યારે અનેક રાજ્યોમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.
વાવાઝોડા અને તોફાનમાં પશુઓ, પાક અને વાહનોને ગંભીર નુકસાન પહોંચે છે. NDMAએ તાજેતરમાં એક ટ્વિટ કરી છે અને આ કુદરતી આપત્તિ સમયે કેવી રીતે સુરક્ષિત રહેવું તે અંગે જાણકારી આપી છે. વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ તકેદારીના કેવા પગલા લેવા જોઈએ, તે અંગે પણ જાણકારી આપી છે.
વાવાઝોડા પહેલા શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ
– સુરક્ષિત રહેવા માટે જરૂરી વસ્તુઓ સાથે ઈમરજન્સી કિટ તૈયાર રાખો.
– ઘર સુરક્ષિત રહે તે માટે ઘરનું સમારકામ કરેલું હોવું જોઈએ. અણીદાર અને ધારદાર વસ્તુઓ ઘરમાં ગમે ત્યાં ન રાખવી જોઈએ.
– ટીવી ચેનલ અને રેડિયો પર સતત સમાચાર જોતા રહો અને પરિસ્થિતિની જાણકારી મેળવતા રહો.
વાવાઝોડા દરમિયાન શું તકેદારી રાખવી જોઈએ
– ઘરમાં બાલ્કનીથી દૂર રહેવાનો પ્રયત્ન કરો.
– ઘરમાં જે પણ વીજળીથી ચાલતા ઉપકરણ હોય તેને અનપ્લગ કરી દો અને કોર્ડેડ ટેલિફોનનો ઉપયોગ ન કરો.
– વહેતા પાણીનો ઉપયોગ ના કરવો અને મેટલ પાઈપથી દૂર રહો.
– મેટલ શીટિંગ અને રૂફ સ્ટ્રક્ચરથી દૂર રહો.
– જો તમે બસ અથવા કારમાં છો તો થોડા અંતરે ઊભા રહેવું જોઈએ.
– ઝાડની નીચે ના ઊભા રહો અને પાવર લાઈનથી દૂર રહો.
– મેટાલીક વસ્તુનો ઉપયોગ ન કરશો.
વાવાઝોડા બાદ શું તકેદારી રાખવી જોઈએ
– વાવાઝોડાથી જે વિસ્તારમાં નુકસાન થયું હોય ત્યાંથી દૂર રહો.
– બાળકો, વૃદ્ધ અને વિકલાંગ વ્યક્તિઓની મદદ કરો.
– વાવાઝોડામાં જે ઝાડ પડી ગયા હોય તેનાથી દૂર રહો અને વિજળીની લાઈનથી દૂર રહો, તથા તે અંગે સંબંધિત અધિકારીઓને જાણ કરો.
પશુપાલકો માટે ગાઈડલાઈન
– તમારા ઘરમાં અથવા આસપાસનો કોઈ સુરક્ષિત વિસ્તાર અલગથી પશુ માટે રાખો.
– જાનવરોને ખુલ્લા પાણીથી દૂર રાખો.
– પશુઓને ઝાડ નીચે બિલ્કુલ પણ ન ઊભા રાખવા.