કોરોના વાયરસના કારણે કરાયેલા લોકડાઉનમાં 75 દિવસ સુધી સમગ્ર ગુજરાત બંધ રહ્યું છે. થોડી થોડી છૂટછાટ બાદ હવે ફરી ગુજરાતમાં બધુ ધમધમતુ થયુ છે. હવે આવતીકાલે 8 જુને અનલોકનો બીજો રાઉન્ડ શરુ થવાનો છે.
ત્યારે 8 જુનથી ગુજરાતમાં હોટલો,રેસ્ટોરન્ટ્સ અને મોલ ખૂલવા જઈ રહ્યા છે. સરકાર દ્વારા હોટલ,રેસ્ટોરન્ટ્સ અને મોલ ખોલવાની પરમિશન આપી દેવામાં આવી છે. જોકે આ માટે ખાસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે જેનું પાલન કરીને જ આ તમામ બાબતો ખોલવાની પરમિશન આપવામાં આવી છે.
આ ઉપરાંત ગુજરાત સરકારે નોન-કન્ટેનમેન્ટ ઝોનમાં મંદિરો, મસ્જિદો, ચર્ચ, દેરાસર અને ગુરુદ્વારા સહિતના ધાર્મિક સ્થળોને ફરીથી ખોલવા માટે મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે.. જ્યારે આવતીકાલથી હોટેલ, રેસ્ટોરન્ટ્સ અને મોલમાં જનારા લોકોને ટેમ્પરેચર સ્ક્રીનિંગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
માસ્ક વગર કોઈ પણ વ્યક્તિને આ સ્થળોએ પ્રવેશ આપવામાં નહિ આવે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પૂરતુ પાલન કરવું પડશે. આ ઉપરાંત મોલ, રેસ્ટોરન્ટ્સ અને હોટલમાં એસી માટે સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટની ગાઈડલાઈન મુજબ પાલન કરવું પડશે.
તેમજ આ સ્થળોએ કામ કરતા કર્મચારીઓનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે. તેમજ હોટલના સંચાલકોએ ટ્રાવેલરની હિસ્ટ્રી રાખવી પડશે.. લગેજને સેનેટાઈઝ કર્યા બાદ જ હોટલમાં અંદર લેવામાં આવશે. તેમજ હોટલના સ્ટાફ એકબીજા સાથે ઈન્ટરકોમથી વાત કરે તેવી વ્યવસ્થા રાખવી પડશે.