હવામહેલ નામ સાંભળતા જ રાજસ્થાન યાદ આવે છે પરંતુ સૌરાષ્ટ્રમાં પણ એક હવા મહેલ આવેલ છે. આ હવામહેલ રાજસ્થાન જેટલો પ્રખ્યાત નથી પરંતુ દેશ-વિદેશના પ્રવાસીઓ આ હવા મહેલને જોવા આવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આવેલ આ હવામહેલની રચના વઢવાણનાં રાજવી દાજીરાજબાપુએ ઇ.સ. 1818ની આસપાસ કરાવી હતી. ધર્મ તળાવના કાંઠે આવેલ હવામહેલ 2250 ચોરસ જમીન પર બનાવવામાં આવેલ છે જેમાં 10.60 મીટર ઊંચા 47 અર્ધગોળાકાર દરવાજા અને 8 ગુંબજ શિલ્પ અને સ્થાપત્ય યુક્ત બનાવાયા છે.
ગુજરાત પોતાની પૌરાણિક જગ્યાઓના કારણે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. અહીંના ઐતિહાસિક સ્થળોની મુલાકાતે દુનિયાભરથી પ્રવાસીઓ આવતા હોય છે. તો અહીંની પ્રાકૃતિક સુંદરતાનો નજારો લોકોના મનમોહી લે છે. આવા કેટલાય સ્થળો આપણા શહેરની આસપાસ છે જેના વિશે આપણને જાણકારી પણ ક્યારેક નથી હોતી. ત્યારે અમે આપને આજે એવા સ્થળે વિશે જણાવીશું જે અમદાવાદથી માત્ર 2 કલાકના અંતરે છે.
અમદાવાદથી આશરે 120 કિલોમીટરના અંતરે આવેલ સુરેન્દ્રનગરના વઢવાણ શહેરમાં હવામહેલ આવેલ છે. ત્યાં જવા માટે સરકારી બસ તથા ખાનગી વાહનો મળે છે. વઢવાણના ધર્મ તળાવ નજીક આવેલ આ હવામહેલ જવાનું ક્યારેક થાય તો ત્યાં રાજવી દાજીરાજબાપુની યશગાથા જરૂરથી સાંભળવી.
હવામહેલના નિર્માણનું મોટાભાગનું કામ પૂર્ણતાને આરે હતું પરંતુ નસીબ જોગે તે પૂર્ણ થઇ ન શક્યું અને રાજવીનું સ્વપ્ન અધુરું રહી ગયું. પરંતુ હવામહેલનું નકશીકામ અને તેની કલાત્મકતા આજે પણ પ્રવાસીનું મન હરી લે તેવી છે. તે સમયના કારીગરો દ્વારા કરવામાં આવેલ કોતરણી અને ભાત-ભાતની ડિઝાઇન મન મોહી લે છે.
વર્ષો પહેલા વઢવાણમાં રાજા દાજીરાજજીનું રાજ હતું, જેમણે અહીં 4 વર્ષ,4 મહિના અને 4 દિવસ જેટલું રાજ કર્યુ હતું. વઢવાણ શહેરને લોકો પહેલા વર્ધમાનપુરીથી ઓળખતા હતા. આ નામ જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના નામ પરથી રાખવામાં આવ્યુ હતું. આ શહેરનો ઇતિહાસ 2600 વર્ષ કરતા પણ વધારે જૂનો છે. જેતે સમયે અહી મૌર્ય, સોલંકી, વાઘેલા, ગુપ્તવંશ. મુગલ, મરાઠા જેવા રાજાઓ રાજ કરી ચુક્યા હતા.