ઘાતક કોરોના વાયરસની મહામારીને પગલે ગુજરાતીઓ ઘરમાં કેદ થયાં છે જેના કારણે ગુજરાતમાં ટુરિઝમ ઉદ્યોગને વધુ અસર થઇ છે. કોરોનાને લીધે લોકોએ હરવાફરવાના સ્થળોએ જવાનુ ટાળ્યુ છે પરિણામે રાજ્યમાં ટુર ટ્રાવેલ્સ એજન્સીઓ જ નહીં પણ હોટલો ય જાણે બંધ અવસ્થામાં પડી છે, લોકડાઉન બાદ ગુજરાતમાં મૃતપ્રાય અવસ્થામાં મૂકાયેલાં ટુરિઝમ ઉદ્યોગને રૂા.700 કરોડનું નુકશાન થયા હોવાનો અંદાજ છે.
એટલું જ નહીં , ટુરિઝમ ઉદ્યોગની એવી દશા થઇ છેકે, ટ્રાવેલ્સ એજન્સી, હોટલ ઉપરાંત ટ્રાન્સપોર્ટમાંથી કુલ મળીને 3 લાખ લોકોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે.એક અંદાજ મુજબ ગુજરાતમાંથી વર્ષે દહાડે 15-20 લાખ ગુજરાતીઓ આંતર રાજ્ય અને અન્ય દેશોમાં ફરવા જાય છે. ખાસ કરીને શિયાળુ અને ઉનાળુ વેકેશનમાં ગુજરાતીઓ વિવિધ ટુરપેકેજ થકી પ્રવાસે જાય છે.
ગુજરાતમાં આજે 10 હજાર કરતાં વધુ ટ્રાવેલ્સ એજન્ટો છે. કોરોનાને લીધે લોકોમાં એવો ડરનો માહોલ પ્રવર્તી રહ્યો છે કે,પ્રવાસ તો ઠીક, લોકો ઘરની બહાર નીકળતાં ય ડર અનુભવી રહ્યાં છે. આ ઉપરાંત હજુય મોટાભાગની રાજ્ય સરકારોએ પ્રવાસન સૃથળોએ જવાની છુટ આપી નથી. લોકડાઉન બાદ આ પરિસ્થિતીને પગલે ગુજરાતમાં ટુર ટ્રાવેલ્સ એજન્સીઓની એવી દશા છે કે,કર્મચારીઓને પગાર આપવાના ફાફાં છે.કેટલીય ટુર ટ્રાવેલ્સ એજન્સીઓએ તો કર્મચારીઓને છુટા કરી દીધા છે.
ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા,ગુજરાત ચેપ્ટરના પ્રમુખ વિરેન્દ્ર શાહનું કહેવુ છેકે, સપ્ટેમ્બર પછી ટુરિઝમ ઉદ્યોગ શરૂ થાય તેવા અણસાર છે.હજુ બે મહિના સુધી રાહ જોવી પડશે. એટલું ચોક્કસ છેકે, બધુ રાબેતા મુજબ થશે ત્યારે ટુરિઝમને વેગ મળશે કેમકે, લોકડાઉન બાદ લોકો એટલી હદે કંટાળ્યાં છે અને માનસિક રીતે ભાંગી પડયાં છે કે, લોકો ચોક્ક્સ પરિવાર સાથે ફરવા જશે તેવુ અત્યારે લાગી રહ્યુ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે પણ બધાય સેકટર માટે રાહત પેકેજ જાહેર કર્યા પણ ટુરિઝમ ઉદ્યોગ પ્રત્યે ઝાઝુ ધ્યાન અપાયુ નથી.
ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ગુજરાત ચેપ્ટરના પ્રમુખ જીગર દુદકિયા કહે છેકે, ટુરિઝમ ઉદ્યોગને રિસ્ક ફેક્ટરમાં મુકાયુ છે જેના કારણે બેંકો લોન સુદ્ધા આપતી નથી. લોકડાઉન બાદ ટુર ઓપરેટરોની એવી સ્થિતી છેકે, જયારે બિઝનેસ જ ન હોય તો કર્મચારીને પગાર કેવી રીતે કરવો. ઓફિસના ભાડાં, પગાર, લાઇટબિલ સહિત મેઇન્ટેન્સ કયાંથી લાવવો. હજુ સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી ટુરિઝમ ધમધમે તેવી આશા છે. અત્યારે તો ટુરિઝમ સેક્ટર બંધ અવસ્થામાં પડયુ છે.
લોકડાઉન પછી અત્યાર સુધી ઘરમાં પુરાયેલાં ગુજરાતીઓ હવે કંટાળ્યાં છે જેથી કોરોનાની સતકર્તા સાથે પરિવાર સાથે વન ડે ટ્રીપ કરતાં થયાં છે. સાપુતારા,પોળો અને નળ સરોવર જેવા સૃથળો પરિવાર સાથે સવારે જઇને સાંજે પિકનીક કરવાનો ટ્રેન્ડ વધ્યો છે જેના કારણે આવા પ્રવાસન સૃથળોેએ લોકોની અવર જવર વધી છે. અત્યારે ચારેકોર કોરોનાનો શબ્દ સંભળાઇ રહ્યો છે ત્યારે લોકો માનસિક શાંતિ મેળવવા પિકનીક સ્થળોએ પરિવાર સાથે દિવસ ગાળી રિલેક્સ થઇ રહ્યાં છે.