દેશ અને દુનિયામાં કોરોના વાયરસના કારણે લોકાડાઉન જાહેર કરવામાં આવ્યું છે,અને લોકો તેનું ખાસ પાલન કરે તે માટે કડક પગલા લેવાઇ રહ્યા છે,કોવિડ ૧૯ના કારણે તમામ દેશના આરોગ્ય સત્તાધીશો લોકો ઘરની બહાર વધુ ન નીકળે અને Social Distancing જાળવીને જુદા જુદા સ્થળોએ જમાવડો ન કરે તે માટે કાયદાઓ અને ગાઈડલાઈન્સ બનાવી ચુક્યા છે. હવે આ ગાઈડલાઈન્સનું કેટલી મજબૂતીથી પાલન થઇ રહ્યું છે તે માટે ગૂગલે મદદનો હાથ લંબાવ્યો છે.
મહામારી અતિશય ચેપી હોવાને કારણે દુનિયાભરની સરકારોએ સંપૂર્ણ અને આંશિક ધોરણે તેમના દેશમાં લોક ડાઉન લાદેલા છે. હવે આ લોક ડાઉનમાં હકીકતમાં લોકોની અવરજવર ઓછી થઇ છે કે નહિ તેનો સચોટ ડેટા ગૂગલે ગૂગલ મેપ્સની મદદથી આપ્યો છે.
ગૂગલમાં સૌ જાણે છે તે પ્રમાણે GPSની મદદથી ચોક્ક્સ સ્થળે કેટલા લોકો વધુ ભેગા થાય છે અને કેટલા લોકો છુટા પડે છે તેનો ડેટા મેળવી શકાય છે. આ ડેટા પ્રમાણે ગૂગલે અલગ અલગ દેશના લોકોએ તારીખ પ્રમાણે તેમની આસપાસના સ્થળ જેવા કે કરિયાણાની દુકાન, શોપિંગ મોલ, રેસ્ટોરા, કાફે, ઓફિસ વગેરે જગ્યાઓની ચહલપહલ કેટલી વધારી કે ઘટાડી તેના આંકડા શેર કર્યા છે.
ભારતમાં મનોરંજનના સ્થળો જેવા કે રેસ્ટોરા, કાફે, શોપિંગ સેંટર, થીમ પાર્ક, મ્યુઝિયમ, મુવી થીએટર વગેરે સ્થળોએ લોકોની મોબિલિટી એટલે કે ચહલપહલમાં ૧૬ ફેબ્રુઆરીને જો બેઝ લાઈન ગણવામાં આવે તો તોતિંગ ૭૭% નો ઘટાડો થયો છે.
બીજી તરફ કરિયાણા બજાર, ખાવાપીવાની ચીજ વસ્તુઓનું બજાર, કૃષિ બજાર, દવાની દુકાનો વગેરે જગ્યાએ પણ લોકોની ભીડમાં ૬૫% ઘટાડો થયો છે. આ ઉપરાંત પબ્લિક ગાર્ડનમાં પણ લોકોની ચહલપહલ ૫૭% ઘટી ગઈ છે
દેશમાં ટ્રેનો, વિમાન સેવા અને અન્ય ટ્રાન્સપોર્ટ બંધ હોવાથી આ સ્ટેશનો ઉપર ભીડ પૂરી ૭૧% ઘટી ગઈ છે. આ ઉપરાંત લોકો અત્યારે ઉદ્યોગ ધંધે અથવા ઓફિસ પર જઈ રહ્યા નથી જેના પગલે કામ કરવાની જગ્યાએ જવામાં પણ ૪૭%ની ઘટ નોંધાઈ છે. આ તરફ પોતાના ઘર તરફ લોકોની મોબિલિટી ૨૨% વધી છે અર્થાત લોકો પોતાના ઘરે જ રહી રહ્યા છે.
નોંધનીય છે કે ભારતમાં અત્યારે ૨૦૦૦થી વધુ કોરોના વાયરસના દર્દીઓ છે. PM મોદી એ કોરોના વાયરસને નિયંત્રણમાં લાવવામાં રાષ્ટ્રવ્યાપી ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે જેના પગલે અવરજવરમાં ભારે ઘટાડો થયો છે.