દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. જેના પગલે સમગ્ર વિશ્વ અત્યારે આર્થિક મંદીનો સામનો કરી રહ્યુ છે. ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાઈરસે સૌથી મોટી ખુવારી ઈટાલીમાં સર્જી છે. અહીં પોતાની નજર સામે તરફડી રહેલા દર્દીઓને જોઈને ડોક્ટરોની હાલત પણ દયનીય બની ગઈ છે. કોરોના વાયરસે વિશ્વભરના મોટાભાગના દેશોને ભરડામાં લીધા છે. ત્યારે જર્મનીમાં 50 હજારથી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 350થી વધુ લોકોના મોત નિપજ્યા છે. ત્યારે જર્મનીના હેસે રાજ્યના નાણાં મંત્રી થોમસ શાફરે કોરોના વાયરસથી દેશની અર્થવ્યવસ્થાને થઈ રહેલ નુકશાનીથી ચિંતિત થઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. તેઓ આ વાતથી અંદરો અંદર ચિંતિત હતા કે કોરોનાથી દેશની અર્થવ્યવસ્થાને જે નુકશાન થઈ રહ્યું છે તેને કઈ રીતે પહોંચી વળવું. જર્મનીના નાણાં મંત્રી 54 વર્ષીય થોમસ શેફરનો મૃતદેહ રેલવે ટ્રેક પાસેથી મળી આવ્યો હતો.થોમસ શેફરના આ પગલાથી સમગ્ર દેશમાં હાલ હાહાકાર મચ્યો છે.તેમજ જર્મનીના દિગ્ગજ નેતાઓએ તેમના નિધનના પગલે દુઃખ પણ વ્યક્ત કર્યુ છે. મહત્વનું છે કે જર્મનીમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં જ જર્મનીના ચાન્સલર એંજેલા મર્કલનો પણ કોરોના કેસ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ બીજા ટેસ્ટમાં એંજેલા મર્કલનો રીપોર્ટ નેગેટિવ આવ્યો હતો.