દેશમાં અત્યારે કોરોના વાયરસના સંક્રમણને લઈને ભારે ઉથલપાથલ ચાલી રહી છે. તો દેશની જનતા લોકડાઉનના કારણે ઘરોમાં કેદ છે. ત્યારે હવે દૂરદર્શને પોતાનુ રામબાણ છોડ્યુ છે… રામાનંદ સાગરની રામાયણને એવર ગ્રીન હિટ સીરિયલ્સમાં સ્થાન મળેલું છે. 90ના દાયકાની આ સીરિયલને સુવર્ણ યુગ તરીકે ગણાવવામાં આવતો હતો. જ્યારે ટેલિવિઝન પર આ શો આવતા હતા ત્યારે લોકો ઘરની અંદર ભરાઈ રહેતા હતા, શેરી ગલીઓ સૂમસામ ભાસતી હતી. લોકો પોતાના ચપ્પલ ઉતારીને આ શો જોવા બેસતા હતા..ટીવી પર ફૂલની માળા અર્પણ કરવામાં આવતી હતી. ટેલિવિઝનની લોકપ્રિયતામાં આ સીરિયલનો સિંહફાળો રહ્યો છે.દેશમાં કોરોના વાયરસને પગલે લોકડાઉન જાહેર કરાયું છે ત્યારે ફરી એકવખત લોકો પોતાના ઘરની અંદર ભરાઈ રહેવા મજબૂત બન્યા છે. આવા સમયે સોશિયલ મીડિયામાં ડિમાન્ડ ઉઠી હતી કે દુરદર્શન પર ફરીથી રામાયણને શરુ કરવામાં આવે… ત્યારે દૂરદર્શને 90ના દાયકાની આ પ્રસિદ્ધ સિરીયલ રામાયણને પ્રસારીત કરશે. આવતીકાલ એટલે કે શનિવાર સવારે 9 વાગ્યાથી તેનો પ્રથમ એપિસોડ પ્રસારીત કરવામાં આવશે. સરકારના આ નિર્ણયને કોરોનાથી બચવા માટે અને સોશિયલ ડિસ્ટેન્સિંગ સાથે જોડીને પણ જોવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે રામાયણ સીરીયલમાં કામ કરતા કલાકારો અરુણ ગોવિલ (રામની ભૂમિકા ભજવનાર) અને દીપિકા (સીતાની ભૂમિકા ભજવનાર)ને લોકો ભગવાનની જેમ પૂજતા હતા. જે અંગે સીરીયલમાં કામ કરતા કલાકારોએ પણ પોતાના અનુભવ બતાવ્યા હતા…તેમજ હાલમાં જ આ કલાકારો કોમેડી શો કપિલ શર્મામાં પણ નજરે પડ્યા હતા. ત્યારે ફરી એકવાર રામાયણની સીરીયલ શરુ થવાના અહેવાલથી દેશની જનતામાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે…