ઉનાળુ વેકેશન પૂરું થઈ ચૂક્યું છે અને શાળાઓ ખુલી ચૂકી છે. પણ ઘણા બાળકોએ શાળાએ ન જવાની જીદ પકડી છે. વેકેશનમાં ધીંગા મસ્તી કર્યા બાદ હવે તેઓને શાળાએ જવું ગમતું નથી. આવી સ્થિતિમાં માતા-પિતા બાળકો પર ગુસ્સે થઈ જતા હોય છે, પરંતુ બાળકો રાજી ખુશીથી સ્કૂલે જાય તે જરૂરી છે. શાંત સ્વભાવના બાળકોને સ્કૂલે મોકલવામાં તકલીફ પડતી નથી, પણ અમુક તોફાની બાળકો માતાપિતાની આંખે અંધારા લાવી દે છે. સ્કૂલનું નામ પડતા જ કેટલાક બાળકો રોવા લાગે છે, તો કેટલાક તબિયત સારી ન હોવાનું બહાનું બતાવે છે. આવી સ્થિતિમાં માતા-પિતા બાળકની જીદ સામે ઝૂકી જાય છે અને સ્કૂલે મોકલતા નથી. આવું ન થવું જોઈએ. અહીં બાળકો હસતા હસતા સ્કૂલે જાય તેવી ટિપ્સ આપવામાં આવી છે.
અમુક બાળકોના મનમાં સ્કૂલનો ડર હોય છે. તેઓને સ્કૂલે જતા બીક લાગે છે, આવી સ્થિતિમાં તેમને પરાણે સ્કૂલે મોકવાથી તેઓ ચીડચીડિયા સ્વભાવના થઇ જાય છે. જેથી પરાણે સ્કૂલે મોકલવાની જગ્યાએ તેમને સ્કૂલે જવું શા માટે જરૂરી છે તે સમજાવો.
બાળક સ્કૂલે શા માટે જવા માંગતું નથી? તેની પાછળનું કારણ જાણવું જરૂરી છે. ક્યારેક બાળકો શિક્ષક અથવા અન્ય બાળકોના ડરથી શાળાએ જવાની ના પાડે છે. તેઓને અન્ય બાળકોના મજાકનો ડર પણ હોય છે. આ સાથે કેટલાક બાળકોમાં આત્મવિશ્વાસ ન હોવાથી સ્કૂલે જવામાં સંકોચ અનુભવે છે. આવી સ્થિતિમાં બાળકને સ્કૂલે જવું શા માટે પસંદ નથી તે જાણવું ખૂબ મહત્વનું છે.
બાળક સ્કૂલે જવાની ન પાડતું હોય તો તેના પર ફોર્સ ન કરો. તેમના ડરને જાણ્યા બાદ હવે તે ડરને દૂર કરવાનો પ્રયત્ન કરો અને તેમનો આત્મવિશ્વાસ વધારો. આ સાથે સ્કૂલે જવું શા માટે જરૂરી છે તે પણ સમજાવો.
બાળકોનો શાળામાં રસ વધે તે માટે તેમને માતા-પિતા નહીં પણ મિત્રો તરીકે સમજાવો. તેનાથી બાળકો સરળતાથી પોતાની સમસ્યા તમારી સાથે શેર કરી શકશે. બાળકને લેવા – મુકવા માટે પણ દરરોજ શાળાએ જાવ અને તે સમય દરમિયાન બાળકોને સ્કૂલની એક્ટિવિટી અંગે પૂછો.
બાળકનું સ્કૂલે ન જવા પાછળનું કારણ જાણ્યા બાદ માતાપિતાએ પોતે પણ બાળકની આ તકલીફ સમજવાની જરૂર હોય છે. આવું કરવાથી બાળકની સમસ્યાનો ઉકેલ આવશે અને બાળક માતાપિતાની વાત પણ સમજશે.