ચાઇનીઝ ઉત્પાદનો સામે વેપારીઓનો વિરોધ તીવ્ર બન્યો છે. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (સીટીઆઈ) એ કનૉટ પ્લેસમાં ચાઇનીઝ ઉત્પાદનો સામે શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું હતુ. આ સમય દરમિયાન દરેક વ્યક્તિએ સ્લોગન ટી-શર્ટ પહેર્યુ હતુ. બધાએ કહ્યું કે, આ વખતે તેઓ દિવાળી પર ચીની ચીજોની આયાત નહીં કરે.
સીટીઆઈના અધ્યક્ષ બ્રિજેશ ગોયલે જણાવ્યું હતું કે ચીન દર વર્ષે ભારતમાં 65 અબજ ડોલરના માલનું વેચાણ કરે છે. તહેવારો દરમિયાન બજારમાં ચીની ચીજોની અસર વધુ જોવા મળે છે. દિવાળી પર ચીનથી લગભગ એક લાખ કરોડનો માલ આયાત કરવામાં આવે છે.
આમાં આશરે 10 હજાર કરોડનો માલ એકલો દિલ્હી પહોંચે છે. દિલ્હીના વેપારીઓ જુલાઈથી જ દિવાળીના માલનો ઓર્ડર આપવાનું શરૂ કરે છે અને સપ્ટેમ્બર સુધીમાં માલની આયાત કરવામાં આવે છે. પરંતુ આ વખતે વેપારીઓએ વચન લીધું છે કે તેઓ દિવાળી પર કોઈ ચાઇનીઝ માલની આયાત નહીં કરે.
આ પ્રસંગે સદર બજારના પરમજીતસિંહ પમ્મા, કાશ્મીરી ગેટથી વિષ્ણુ ભાર્ગવ, કારોલ બાગ મોબાઇલ માર્કેટના અમિત ગોયલ, અજય સોની, નહેરૂ પ્લેસ કમ્પ્યુટર માર્કેટના મહેન્દ્ર અગ્રવાલ, રમકડા વેપારી અજય અગ્રવાલ, ડાયમંડ બિઝનેસમેન ગુરમીત અરોરા, મશીનરી પાર્ટ્સ માર્કેટના નવદીપ મલ્હોત્રા, ટાંકી રોડ ટેક્સટાઇલ માર્કેટના પૂર્વ વડા, રમેશ આહુજા, સુનિલ ગુપ્તા, તરુણ ચતુર્વેદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ચીને ભારતની સરહદ પર લોહિયાળ જંગ ખેલ્યો હતો. જેમાં એક કર્નલ સહીત 20 જવાનો શહીદ થયા હતા. એ બાદથી દેશમાં ચીનનો વિરોધ તીવ્ર થયો છે. તેમજ ચીની વસ્તુઓનો બહિષ્કાર થઈ રહ્યો છે. ભારત સરકારે અનેક પ્રોજેક્ટો ચીની કંપનીઓ પાસેથી છીનવી લીધા છે. 59 ચીની એપ્સ સુરક્ષાના પગલે બંધ કરવામાં આવી છે.