દેશમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે… દરરોજ નવા કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે…
દેશના અંદાજિત દરેક રાજ્યમાંથી કોરોનાના દર્દીઓ સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1000ને પાર થઇ ચૂકી છે. જ્યારે મૃતકોની સંખ્યા 30 સુધી પહોંચી છે. જ્યારે ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 62 થઈ જતા સરકાર ચિંતિત થઈ છે. તો ગુજરાતમાં પાંચ લોકોના મોત કોરોનાના કારણે નિપજ્યાછે..
છેલ્લા 24 કલાકમાં કુલ ચાર કેસ નવા નોંધાતા રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને 62 થઈ છે. જે નવા ચાર કેસ નોંધાયા છે તેમાં રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર અને સુરતમાં 1-1 કેસ નોંધાયો છે. જો કે સુરત શહેર સિવાય ત્રણેય કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાતા રાજ્ય સરકારની ઊંઘ હરામ થઈ છે…
તેમજ તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નહી હોવાનાં કારણે સરકાર ચિંતિત બની છે.
ઉલ્લેખનીય છે કે, શહેરોમાંથી મોટા પ્રમાણમાં લોકો હિજરત કરીને ગામડાઓમાં પરત ફરી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અમદાવાદ અને સુરતથી મોટા પ્રમાણમાં લોકો હિજરત કરી ચુક્યા છે. ત્યારે હવે ગ્રામ્ય સ્તરેથી કેસ આવતા સરકારની ચિંતામાં વધારો થયો છે. આ સાથે અમદાવાદમાં કુલ 21 કેસ પોઝીટીવ, 3નાં મોત અને 1 કેસ રિકવર થયો છે. જ્યારે સુરતમાં 8 કેસ પોઝીટીવ અને એક વ્યક્તિનુ મોત થયું છે. ગાંધીનગર-વડોદરા અને રાજકોટમાં 9-9 કેસ પોઝીટીવ કેસ થયા છે. કચ્છ, મહેસાણા, પોરબંદર અને ભાવનગરમાં કુલ 1-1 કેસ પોઝીટીવ છે. જ્યારે ગીર સોમનાથમાં 2 કેસ પોઝીટીવ આવ્યા છે. આ રીતે કુલ 62 પોઝીટીવ કેસ પોઝિટિવ નોંધાયા છે.