ચીનથી આવેલા કોરોના વાયરસે વિશ્ર્વભરમાં હાહાકાર મચાવ્યો છે,દેશના સામાન્ય વ્યક્તિથી લઇને મોટા-મોટા ઉધોગપતિઓને પણ કોરોના વાયરસના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે,કોરોના વાયરસ રોગચાળાને કારણે વિશ્વની અર્થવ્યવસ્થા મંદી તરફ આગળ વધી રહી છે. છેલ્લા બે મહિનાથી વિશ્વભરના શેર બજારોમાં ભંગાણ પડવાની પ્રક્રિયા અટકવાનું નામ નથી લઈ રહી, જેના કારણે અબજોપતિઓ દરરોજ અબજો ગુમાવે છે.
કોરોનાના આતંકથી વિશ્વભરના અબજોપતિઓની હાલત કથળી છે. દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીને છેલ્લા બે મહિનામાં 1.33 લાખ કરોડ રૂપિયાનો ઝાટકો લાગ્યો છે. શેરબજારમાં તીવ્ર ઘટાડાને કારણે અબજોપતિઓની સંપત્તિમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં 28% ઘટાડો જોવા મળ્યો છે. અંબાણીને 31 માર્ચ સુધીના બે મહિનામાં દરરોજ રૂ. 2,100 કરોડ (300 મિલિયન ડોલર) નો ઝાટકો મળ્યો છે અને તેમની કુલ સંપત્તિ હવે માત્ર 3.36 લાખ કરોડ રૂપિયા થઇ ગઈ છે. ચોંકાવનારી વાત એ છે કે આ જ સમયગાળામાં કેટલાક ચીની અબજોપતિઓની સંપત્તિમાં વધારો થયો છે, જેના કારણે 6 વધુ ચીની અબજોપતિ વિશ્વના ટોચના 100 અમીરોની સૂચિમાં શામેલ થયા છે. સોમવારે જારી કરાયેલા એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે.
મુકેશ અંબાણીને છેલ્લા બે મહિનામાં 1.33 લાખ કરોડ રૂપિયાનો ઝાટકો
હુરૂન ગ્લોબલ રિચ લિસ્ટ અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ના ચેરમેન અને MDની કુલ સંપત્તિમાં રૂ. 1.33 લાખ કરોડ ઘટ્યા છે, જેથી તેઓ વિશ્વની સૌથી ધનિક યાદીમાં આઠ સ્થાને ઘટીને 17મા સ્થાને આવી ગયા છે.
અદાણીને લાગ્યો 42000 કરોડનો ઝાટકો
આ યાદીમાં અન્ય ભારતીયોમાં અદાણી જૂથના વડા ગૌતમ અદાણીને 42,000 કરોડ રૂપિયા એટલે કે 37% જેટલો ઝાટકો લાગ્યો છે. HCL ટેક્નોલોજીસના પ્રમુખ શિવ નાડરની સંપત્તિ 35,000 કરોડ રૂપિયા (5 અબજ ડોલર) અથવા 26% અને કોટક બેંકના ઉદય કોટકની સંપત્તિમાં 28,000 કરોડ (4 અબજ ડોલર) અથવા 28% નો ઘટાડો કર્યો છે. અંબાણીને બાદ કરતાં અન્ય ત્રણ લોકો ટોચની 100 યાદીમાંથી બહાર થઈ ગયા છે. કોરોના વાયરસ રોગચાળાને કારણે છેલ્લા બે મહિનામાં ભારતીય શેર બજારમાં 25% ઘટાડો થયો છે. વિશ્વભરની કંપનીઓને કોરોના વાયરસ રોગચાળાની આર્થિક કિંમત ચૂકવવી પડી છે.
અહેવાલમાં જણાવાયું છે કે બર્કશાયર હેથવેના વોરન બફેટે કુલ રૂ. 1.33 લાખ કરોડ (19 અબજ ડોલર) નું નુકસાન વેઠ્યું છે અને તેની કુલ સંપત્તિ હવે રૂ. 5.81 લાખ કરોડ (83 અબજ ડોલર) થઇ ગઈ છે.
જેફ બેઝોઝ છે હજુ સૌથી વધુ અમીર
9.17 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે એમેઝોનના જેફ બેઝોસ વિશ્વનો સૌથી ધનિક વ્યક્તિ છે. છેલ્લા બે મહિનામાં તેમની સંપત્તિમાં 9% ઘટાડો થયો છે. તે પછી બીજા નંબર પર બિલ ગેટ્સ છે, જેમાં સંપત્તિમાં 14% ઘટાડો છે, બફેટ ત્રીજા સ્થાને છે.
6 ચીનના અબજોપતિઓની ટોપ 100માં એન્ટ્રી
રિપોર્ટ અનુસાર છેલ્લા બે મહિનામાં કેટલાક ચીની અબજોપતિઓની સંપત્તિમાં વધારો જોવા મળ્યો છે. શ્રીમંતોની ટોપ 100 યાદીમાં ભારતના ત્રણ અબજોપતિઓ ભાર થઇ ગયા છે, જ્યારે ચીનના છ અબજોપતિ આ યાદીમાં નવા ઉમેરાયા છે.