કોરોના મહામારીમાં ઘણી માટી કંપની ખોટનો સમાનો રહી છે,અને ઘણી મોટી કંપની બંધ થઇ રહી છે.આ બધાની વચ્ચે ગુજરાતની અમૂલ બ્રાન્ડના ટર્નઓવરમાં વધારો થયો છે. કોરોના સંક્રમણ સમયમાં આ બ્રાન્ડની ચીજોનું વેચાણ સૌથી વધુ નોંધાયું છે પરિણામે બ્રાન્ડનું ટર્નઓવર 52000 કરોડ રૂપિયા થયું છે. આ ટર્નઓવરને બમણું કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ, જે દૂધ અને ડેરી ઉત્પાદનોના લોકપ્રિય અમૂલ બ્રાન્ડનું માર્કેટિંગ કરે છે તેમાં નાણાકીય વર્ષ 2019-20માં 38,542 કરોડ રૂપિયાનું ટર્નઓવર નોંધાયું હતું જ્યારે 2018-19માં ટર્નઓવર 33150 કરોડ રૂપિયા હતું.
મળતી માહિતી મુજબ અમૂલના ભવિષ્યના માર્કેટીંગના પ્રયાસોને ધ્યાનમાં લેતાં આગામી પાંચ વર્ષમાં અમૂલના બિઝનેસમાં ઓછામાં ઓછો 20 ટકાનો એકંદર સરેરાશ વાર્ષિક સંચલિત વૃધ્ધિદર રહેવાની અપેક્ષા છે.
મહત્વનું છે કે અમૂલ ફેડરેશનના મેનેજીંગ ડિરેકટર ડૉ. આર.એસ.સોઢીએ કહ્યું હતું કે અત્યારે અમૂલનું ટર્નઓવર 52000 કરોડ રૂપિયા થયું છે જે પાછલા નાણાકીય વર્ષ કરતાં 17 ટકા વધારે છે. અમૂલનું લક્ષ્યાંક 2024-25 સુધીમાં એક લાખ કરોડ રૂપિયા કરવાનું છે. અમૂલે વિશ્વની સૌથી મોટો ડેરી હોવાનું ગૌરવ હાંસલ કરેલું છે. અમૂલનું ટર્નઓવર 2009-10માં માત્ર 8005 કરોડ રૂપિયા હતું.
કોરોના સંક્રમણ અને રોગચાળા દરમ્યાન અમૂલની સહકારી સંસ્થાઓએ કટોકટીમાં પણ દૂધ અને તેની બનાવટોનું વેચાણ કર્યું છે. લોકડાઉનમાં ગુજરાતના દૂધ યુનિયનોએ વધારાનું 35 લાખ લીટર દૂધની ખરીદી કરી હતી.
સૌથી મહત્વનું કામ જે અમૂલે લોકડાઉન દરમ્યાન કર્યુ એ હતુ કે કોરોના સંક્રમણના કારણે લાગૂ કરવામાં આવેલા લોકડાઉનમાં બીજા ઉદ્યોગો બંધ થઇ ગયા હતા પરંતુ અમૂલે લોકડાઉન દરમ્યાન ગ્રામીણ દૂધ ઉત્પાદકોને 800 કરોડ રૂપિયા ચૂકવીને કપરાં સમયમાં આર્થિક મદદ કરી છે.