સમગ્ર વિશ્વમાં ચીનના વુહાન શહેરમાંથી સામે આવેલા કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં આ વાયરસથી 22 હજારથી વધુ લોકોના મોત થયા છે તો લાખો લોકો તેની ઝપેટમાં આવ્યા છે. આ વાયરસને વધુ ફેલાવાથી રોકવા માટે દેશમાં 21 દિવસનું લૉકડાઉન પણ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને લોકોને આ આપત્તિ સામે લડવાના પ્રયાસોમાં પોતાનું યોગદાન આપવાની અપીલ કરી છે. લોકો મદદ માટે PM Cares Fundમાં રુપિયા ડોનેટ કરી શકે છે. અક્ષય કુમારે પણ આ અપીલ અનુસરી 25 કરોડનું દાન આપ્યું છે.
આ આફતની પરિસ્થિતિમાં અક્ષય કુમાર આગળ આવ્યો હતો અને 25 કરોડ રુપિયાનું દાન કર્યુ હતું. અક્ષય કુમારે પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને લખ્યુ કે, અત્યારે એ સમય છે જ્યારે આપણે પોતાના લોકોની જિંદગીની ચિંતા કરીને તેની કાળજી રાખવા જેટલું થઇ શકે એટલું કરવું જોઈએ. હું મારી બચતમાંથી પીએમ મોદીજીના ફંડમાં 25 કરોડ રૂપિયાનું યોગદાન આપવાની શપથ લઉં છું. ચાલો જિંદગી બચાવીએ. જાન હૈ તો જહાન હૈ.
આ મહામારી સામે લડવા માટે ઘણા સેલેબ્સ આર્થિક સહાય કરી રહ્યા છે. અગાઉ કોમેડિયન કપિલ શર્માએ પીએમ ફંડમાં 50 લાખ રૂપિયા આપ્યા છે. ઉપરાંત હ્રિતિક રોશને 20 લાખ રૂપિયાની કિંમતના માસ્ક કેરવર્કર્સ માટે આપ્યા છે. સાઉથ ઇન્ડસ્ટ્રી પણ આ પહેલમાં પાછળ નથી. પ્રભાસે 4 કરોડ રૂપિયા, પવન કલ્યાણે 2 કરોડ, રામ ચરણે 70 લાખ, ચિરંજીવીએ 1 કરોડ, મહેશ બાબુએ 1 કરોડ રૂપિયા, અલુ અર્જુને સવા કરોડ રૂપિયા,અને રજનીકાંતે 50 લાખ રૂપિયા આપ્યા છે.