અમદાવાદ અને સુરત બાદ હવે ભાવનગર પર કોરોનાનો ખતરો વધી રહ્યો છે. ભાવનગરમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના 250થી વધુ કેસ નોંધાતા વહીવટી તંત્રમાં ચિંતા ઉભી થવા પામી છે. જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, સ્થાનિક કક્ષાએ દર્દીઓને દાખલ કરવા માટે ઉભી કરેલી વ્યવસ્થા ટૂંકી પડશે તેમ મનાઈ રહ્યં છે.
ત્યારે હવે જો આ જ પ્રમાણે સંક્રમણ વધશે તો આગમી દિવસોમાં મહુવા ખાતે હનુમંત હોસ્પિટલ અને અમરગઢ ખાતે આવેલી જીથરીની હોસ્પિટલમાં સારવાર માટેની સુવિધા ઉભી કરાશે.માર્ચ માસથી ભાવનગરમાં કોરોનાનો કહેર શરૂ થયો છે. તે શરૂઆતના દિવસોમાં મધ્યમ રહ્યાં બાદ હવે જુલાઈ માસના પ્રથમ સપ્તાહમાં કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે.
આજ સુધીમાં ભાવનગર શહેર અને જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 442 થવા પામી છે. ગત માસમાં જેટલા કેસ એક માસમાં નોંધાયા હતા તેટલા કેસ માત્ર 10 દિવસમાં નોંધાતા લોકોમાં ગભરાટ પણ ફેલાયો છે.
ખાસ કરીને લૉકડાઉન બાદ અનલૉક 1 અને 2માં છૂટછાટ મળવાથી સંક્રમણ વધી રહ્યું છે અને તેના કારણે કેસો વધી રહ્યાં છે. ભાવનગરમાં અત્યાર સુધીમાં 15 જેટલા લોકોના કોરોનાના કારણે મોત પણ થાય છે. જો કે ભાવનગરમાં આમતો સ્થાનિક ઉપરાંત અમદાવાદ અને સુરતથી આવનારા લોકોને કોરોના પોઝિટિવ હોવાના કિસ્સા વધુ સામે આવ્યા છે.
ભાવનગરમાં સિવિલ હોસ્પિટલ અને કેન્સર હોસ્પિટલ તેમજ શહેરની ખાનગી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવને રાખવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જો કે હવે કેસો વધાતાએ જગ્યા ટૂંકી પડશે તેમ મનાઈ રહ્યું છે. ભાવનગરના તંત્રએ સંક્રમણ અટકાવવા માટે મનપાના 13 વોર્ડમાં અલગ અલગ 13 સર્વેલન્સ ટિમો બનાવીને કામ હાથ ધર્યું છે. આ ઉપરાંત હિસ્ટ્રી છુપાવનારા સામે એફઆરઆઈના કેસ કરવાની પણ જાહેરાત પણ કલેક્ટર દ્વારા કરવામાં આવી છે.
ભાવનગરમાં આમ તો અત્યાર સુધીમાં 442 કેસો નોંધાયા છે. જેમાંથી 181 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે, તો હાલ ભાવનગરની સિવિલ હોસ્પિટલ તેમજ ખનગી હોસ્પિટલ અને હોટલમાં કુલ 220 જેટલા કેસો એક્ટિવ છે. જેની સારવાર કરવામાં આવી રહી છે.
ભાવનગરની સરકારી હોસ્પિટલમાં જે બેડ રાખવા આવી હતી તે તમામ ફૂલ થઇ જવા પામી છે. જિલ્લા કલેક્ટરનું કહેવું છે કે જો આ મુજબ જ કેસો વધતા રહેશે તો તંત્ર એ આગામી દિવસોમાં મહુવા તેમજ અમરગઢમાં આવેલી હોસ્પિટલોમાં સારવાર માટે કોવિડ હોસ્પિટલ ઉભી કરવી પડશે અને તેના માટે સરકારમાં પણ જાણ કરવામાં આવી છે.
ભાવનગરમાં શરૂઆતમાં માત્ર એક ચોક્કસ વિસ્તારમાં જ કેસો જોવા મળતા હતા. પરંતુ હવે સુરત અને અમદાવાદ તેમજ અન્ય શહેરમાંથી લોકો ભાવનગર તરફ આવતા હોવાથી અહીં કેસો વધી રહ્યાં છે. ત્યારે લોકોની માંગ છે કે બહારથી આવતા લોકો ઉપર સરકાર નિયંત્રણ લગાવે નહિતર આવતા દિવસોમાં ભાવનગરની સ્થિતિ કોરોનાના મામલે કથળી શકે છે.