બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર તેમના મુંબઈ એપાર્ટમેન્ટમાં થયેલા હુમલા અંગે મહારાષ્ટ્રના ગૃહ રાજ્યમંત્રી યોગેશ કદમે શુક્રવારે કહ્યું કે તેની પાછળનો એકમાત્ર હેતુ ચોરી હતો. તેમણે અન્ય કોઈપણ પાસાનો ઇનકાર કર્યો છે. મંત્રી યોગેશ કદમે કહ્યું કે સૈફ અલી ખાનને કોઈ ખતરો નથી. તેમણે ક્યારેય સુરક્ષા માંગી પણ નહીં. તેમણે કહ્યું કે આ હુમલામાં કોઈ અંડરવર્લ્ડ ગેંગ સામેલ નથી.
ગુરુવારે સવારે બાંદ્રામાં તેમના 12મા માળના ફ્લેટમાં એક વ્યક્તિ દ્વારા છરીના અનેક ઘા મારવામાં આવતા 54 વર્ષીય સૈફ અલી ખાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. અભિનેતાને ગરદન સહિત અનેક જગ્યાએ છરાના ઘા મારવામાં આવ્યા હતા, જેના પગલે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં તેમની તાત્કાલિક સર્જરી કરવામાં આવી હતી.
હુમલા પાછળ ચોરી એકમાત્ર કારણ છે – મંત્રી
પુણેમાં એક પત્રકાર પરિષદને સંબોધતા મંત્રીએ કહ્યું કે મુંબઈ પોલીસે એક એવા વ્યક્તિની અટકાયત કરી છે જેનો ચહેરો શંકાસ્પદ હુમલાખોર જેવો દેખાય છે, જે ઇમારતમાંથી ભાગી રહ્યો હતો ત્યારે સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. તેમણે કહ્યું કે આ વ્યક્તિનો ગુનાહિત રેકોર્ડ છે અને પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. હુમલામાં કોઈ ગુનાહિત ગેંગની સંડોવણી અંગે પૂછવામાં આવતા મંત્રીએ કહ્યું કે પ્રાથમિક તપાસમાં આવા કોઈપણ પાસાનો ઇનકાર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી આ ઘટના પાછળ ચોરી એકમાત્ર કારણ જણાય છે. “મુંબઈ પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે જેનો ચહેરો સીસીટીવી કેમેરામાં દેખાતા વ્યક્તિ જેવો જ છે. પોલીસ વધુ એક વ્યક્તિ પર નજર રાખી રહી છે,” કદમે જણાવ્યું.
મંત્રી ચંદ્રશેખર બાવનકુલેએ શું કહ્યું?
આ ઘટના પછી, કોંગ્રેસ, એનસીપી (શરદચંદ્ર પવાર) અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) સહિત વિપક્ષી પક્ષોના નેતાઓએ કહ્યું કે ખાન પરના હુમલાથી ખબર પડે છે કે રાજ્યમાં ફિલ્મી હસ્તીઓ સુરક્ષિત નથી અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (જેઓ પણ ગૃહ વિભાગ ધરાવે છે) કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા છે. આ અંગે મહારાષ્ટ્રના મંત્રી ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે રાજ્ય સરકાર અને પોલીસ વિભાગે સૈફ અલી ખાન પર છરીના હુમલા પર તાત્કાલિક કાર્યવાહી કરી.
‘મુંબઈ સૌથી સુરક્ષિત શહેર છે’
તેમણે કહ્યું કે સરકાર આવી ઘટનાઓને ગંભીરતાથી લે છે અને મુખ્યમંત્રીએ કહ્યું કે સરકાર અને પોલીસે હુમલાની નોંધ લીધી છે અને તાત્કાલિક કાર્યવાહી કરી છે. રાજ્ય ભાજપ પ્રમુખ બાવનકુળેએ કહ્યું, “અમે જોયું છે કે અંબાણીજીના નિવાસસ્થાન (ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના એન્ટિલિયા) પાસે બનેલી ઘટના પર તત્કાલીન સરકારનું વલણ શું હતું.” અમે આ ઘટનાઓની તુલના કરવા માંગતા નથી. પરંતુ મુંબઈ એક સલામત સ્થળ અને દેશનું સૌથી સુરક્ષિત શહેર છે. મુંબઈ અને મહારાષ્ટ્ર પોલીસ સતર્ક છે અને આવી ઘટનાઓ બને ત્યારે તેમનું વલણ શું છે તે જાણવું મહત્વપૂર્ણ છે. આપણા ગૃહમંત્રી યોગ્ય કાર્યવાહી કરી રહ્યા છે.