રાજસ્થાનના રાજકારણમાં રાજકીય ઉથલ-પાથલ વચ્ચે સચિન પાયલટે વિદ્રોહનું મન બનાવી જ લીધું. સચિન પાયલટ કોઈ પણ ભોગે અશોક ગેહલોતને હટાવી પોતે રાજસિંહાસન પર બેસવા માંગે છે ત્યાં કોંગ્રેસે પણ ગઢ બચાવવા કવાયત શરુ કરી દીધી છે. આ દરમિયાન કોંગ્રેસે જયપુરમાં ધારાસભ્યોની બેઠકમાં મોટો નિર્ણય લેતા સચિન પાયલટ સહીત ત્રણ મંત્રીઓને પદેથી હટાવ્યા છે.
અશોક ગેહલોતનાં નેતૃત્વમાં રાજસ્થાનમાં મળેલી બેઠકમાં સચિન પાયલટ પર કાર્યવાહી કરવા ધારાસભ્યોએ પ્રસ્તાવ પાસ કર્યો છે. બેઠકમાં સચિન પાયલટ, વિશ્વેન્દ્ર સિંહ અને રમેશ મીણાને મંત્રીપદથી હટાવવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે ત્યારે જોવાનું એ થશે કે આ નિર્ણય બાદ સચિન પાયલટ શું જવાબ આપે છે. આ પ્રસ્તાવ કમિટીને આપવામાં આવશે પછી ધારાસભ્યોને નોટીસ આપવામાં આવશે. સચિન પાયલટને રાજસ્થાનના ડેપ્યુટી સીએમ અને પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા છે.
કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ બેઠક બાદ જાહેરાત કરતા કહ્યું એ ગોવિંદ ડોટાસરાને સચિનની જગ્યાએ રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું કે ‘ભાજપના ષડ્યંત્ર હેઠળ રાજસ્થાનની સરકારને અસ્થિર કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા. સચિન પાયલટ ભાજપની જાળમાં ફસાઈ ગયા અને સરકાર પાડવામાં લાગી ગયા. છેલ્લા 72 કલાકમાં કોંગ્રેસ મોવડી મંડળે સચિન પાયલટથી સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ તે ન માન્યાતા
અશોક ગેહલોતે પણ ધારાસભ્યોને એકઠા કરીને પોતાની તાકાતનો પરિચય કરાવી દીધો છે. કોંગ્રેસ ધારાસભ્યો દળની બેઠક કરવામાં આવી જેમાં લીડરશીપ બદલવા પર કોઈ જ ચર્ચા કરવામાં નહીં આવે. બધા ધારાસભ્યો અશોક ગેહલોતનું જ સમર્થન કરી રહ્યા છે એવામાં આ સચિન માટે એક મોટો ઝટકો હોઈ શકે છે. ત્યારે જે ધારાસભ્યો આ બેઠકમાં સામેલ નથી થયા તે બધા પર કોંગ્રેસ કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. પાર્ટી આ ધારાસભ્યોને નોટીસ ફટકારશે.