બુધવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી કમિટીની બેઠકના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. પરિણામોની જાહેરાત કરતા RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે મીટિંગમાં પોલિસી વ્યાજ દર અથવા રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટ અથવા 0.50 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એટલે કે રેપો રેટ 4.40 થી વધીને 4.90 થશે. તેનાથી લોનના EMI બોજમાં વધારો થશે.નોંધનીય છે કે આ પહેલા મે મહિનામાં દેશમાં વધતી મોંઘવારી પર અંકુશ લગાવવા માટે આરબીઆઈએ કોઈ પૂર્વ સૂચના વિના MPCની બેઠકનું આયોજન કર્યું હતું અને તેમાં રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પછી, 2020 થી 4 ટકાના ઐતિહાસિક નીચલા સ્તરે રહ્યા પછી, આ દરો અચાનક વધીને 4.40 ટકા થઈ ગયા હતા.
આ વધારા બાદ આરબીઆઈના ગવર્નરે જૂનમાં યોજાનારી બેઠકમાં રેપો રેટમાં વધુ વધારો કરવાનો સંકેત પણ આપી દીધો હતો.એમપીસીની બેઠકમાં લેવાયેલા પરિણામો જાહેર કરતાં દાસે કહ્યું કે દેશમાં ફુગાવો સતત વધી રહ્યો છે અને વૈશ્વિક ઘટનાક્રમને કારણે સપ્લાય ચેઇન પર ખરાબ અસર પડી છે. આ વધતી જતી મોંઘવારીને અંકુશમાં લેવા માટે આરબીઆઈએ કડક પગલાં ભરવા પડશે. ઉલ્લેખનીય છે કે, દેશમાં છૂટક ફુગાવો એપ્રિલમાં આઠ વર્ષની ટોચે પહોંચીને 7.79 ટકા પર પહોંચી ગયો છે, જ્યારે જથ્થાબંધ ફુગાવો 15 ટકાને પાર કરી ગયો છે. આ સાથે તેમણે દેશમાં ક્રૂડ ઓઈલની વધતી કિંમતો અને ટામેટાના આસમાનને આંબી રહેલા ભાવનો પણ ઉલ્લેખ કર્યો હતો.
જોકે બેઠકના પરિણામની જાહેરાત કરે તે પહેલા જ ત્રણ બેન્કોએ મંગળવારે વ્યાજના દરમાં વધારો કરી દીધો હતો. કેનેરા બેન્ક, એચડીએફસી બેન્ક અને કરૂર વૈશ્ય બેન્કે પોતાના વ્યાજદરોમાં વધારો કર્યો છે. તેના કારણે EMIમાં વધારો થશે. કેનેરા બેન્કે જણાવ્યું કે નવા વ્યાજદરો સાત જૂનથી પ્રભાવી છે. કેનેરા બેન્કે માર્જિન કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ્સમાં 0.05 ટકાનો વધારો કર્યો છે. ત્યાં જ કરૂર વૈશ્ય બેન્કે બેન્ચમાર્ક પ્રાઈઝ લેન્ડિંગ રેટ્સને 0.40 ટકા વધારી છે. HDFCએ પણ પોતાના MCLRમાં 0.35 ટરા વધારો કર્યો છે.