કોરોના વાયરસને લઇને જાહેર કરેલા લોકડાઉનનો સમયગાળો આજે પુરો થઇ રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકડાઉનને લઇને ફરી રાષ્ટ્રને સંબોધન કરી રહ્યાં છે. પીએમ મોદીએ સંબોધનમાં દેશમાં 3 મે સુધી લોકડાઉન લંબાવાની જાહેરાત કરી છે. જો કે હાલમાં વિશ્વ સહિત ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આમ લોકડાઉનના 21 દિવસ પુરા થઇ રહ્યાં છે ત્યારે પીએમ મોદી ચોથી વખત દેશને સંબોધિત કરી રહ્યાં છે.
કોરોના સામેની ભારતની લડાઇ મજબુતાથી ચાલી રહી છે. લોકોએ મુશ્કેલીનો સામનો કરીને દેશને બચાવ્યો છે. આપણે કોરોનાથી થતા નુકસાનને ટાળવામાં સફળ રહ્યાં છે. પીએમ મોદીએ કહ્યું કે દેશ માટે અનુશાસિત સિપાહીની જેમ દેશવાસીઓ કર્તવ્ય નિભાવે છે, સૌને નમન કરુ છું. કોરોનામાં ભારતની લડાઇ મજબૂતીથી આગળ વધી રહ્યું છે. સામુહિક શક્તિનો સંકલ્પ બાબા સાહેબ આંબેડકરને સાચી શ્રધ્ધાંજલી છે.
5 રાજ્યોમાં 30 એપ્રિલ સુધી લોકડાઉન
પંજાબ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, તેલંગાણા અને બંગાળમાં લોકડાઉન 30 એપ્રિલ સુધી વધારાયું છે.ગત શનિવારે વડાપ્રધાનની મુખ્યમંત્રીઓ સાથે બેઠક થઈ હતી જેમાં 78 કરોડ આબાદી વાળા 13 રાજ્યોની સરકારોએ દેશભરમાં 30 એપ્રિલ સુધી લોકડાઉન વધારવાના સૂચન પર સહમતિ વ્યક્ત કરી હતી.
– કોરોનાના દર્દીઓ માટે ભારતમાં હાલ એક લાખથી વધુ બેડની સવલત ઉપલબ્ધ છે અને દેશમાં 600થી વધુ હોસ્પિટલોમાં માત્ર કોરોનાના દર્દીનો ઈલાજ થઈ રહ્યો છે. ભારત પાસે ભલે હાલ મર્યાદિત સંસાધન હોય, પરંતુ ભારતના યુવા વૈજ્ઞાનિકો આગળ આવે અને કોરોનાની રસી બનાવવાનું બીડું ઉઠાવે.
– આટઆટલા પ્રયાસો છતાં કોરોના જે ઝડપે ફેલાઈ રહ્યો છે તેણે સરકારોને ચિંતામાં મૂકી દીધી છે. રાજ્ય સરકારો સાથે પણ આ અંગે ચર્ચા થઈ છે, અને નાગરિકો સહિત દરેક લોકો એ જ જણાવી રહ્યા છે કે લોકડાઉન વધારવામાં આવે. ઘણા રાજ્યો લોકડાઉનને લંબાવી ચૂક્યા છે. દરેક મંતવ્યોને ધ્યાનમાં રાખતા નક્કી કરાયું છે કે ભારતમાં લોકડાઉનને 3 મે સુધી લંબાવવું પડશે.
– લોકડાઉનની આપણે આર્થિક કિંમત ચૂકવવી પડી છે, પરંતુ નાગરિકોના જીવથી વિશેષ કંઈ નથી. ભારત જે માર્ગ પર ચાલ્યું છે તેની દુનિયામાં સરાહના થઈ રહી છે. ચોવીસે કલાક દરેકે પોતાની જવાબદારી નિભાવવાનો પ્રયાસ કર્યો છે, અને સ્થિતિને સંભાળી પણ છે: પીએમ
– વિશ્વના મોટા-મોટા દેશોની સરખામણીએ ભારતમાં હાલ સ્થિતિ ખૂબ જ કાબૂમાં છે. જે દેશોમાં ભારત જેટલા જ કેસ હતા, તે દેશોમાં આપણી સરખામણીએ કોરોનાના કેસ 25થી 30 ગણા વધી ગયા છે, અને હજારો લોકો મોતને ભેટ્યા છે. આપણે જો સમય પર ઝડપથી નિર્ણયો ના લીધા હોત તો આજે ભારતની સ્થિતિ શું હોત તેની કલ્પના કરતાં જ રુંવાડા ઉભા થઈ જાય છે: પીએમ
– જ્યારે આપણે ત્યાં કોરોનાનો એકેય કેસ નહોતો તે પહેલા જ ભારતે કોરોનાગ્રસ્ત દેશોમાંથી આવનારા પ્રવાસીઓનું સ્ક્રિનિંગ શરુ કરી દીધું હતું. કોરોનાના દર્દીનો આંકડો 100 સુધી પહોંચ્યો ત્યારે જ ભારતે વિદેશથી આવેલા પ્રવાસીઓને 14 દિવસ આઈસોલેશનમાં રહેવાનું ફરજિયાત બનાવી દીધું હતું, અને અનેક જાહેર સ્થળોને બંધ કરી દીધા હતા. દેશમાં કોરોનાના કેસ 500 સુધી પહોંચ્યા ત્યારે જ દર્દીઓની સંખ્યામાં વધારો થવાની રાહ જોવાના બદલે 21 દિવસનું લોકડાઉન જાહેર કરી દેવાયું: પીએમ
15 એપ્રિલ, 2020ના રોજ ખાસ માર્ગદર્શિકા જાહેર કરાશે.
– 20 એપ્રિલ, 2020 બાદ સીમિત ગતિવિધિની છૂટ ગરીબ ભાઇ-બહેનોને ધ્યાનમાં રાખીને અપાશે.
– પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની મદદથી સરકાર જરૂરી મદદ કરતી આવી છે.
– નવી માર્ગદર્શિકામાં ગરીબોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવામાં આવી છે.
– ખેતીમાં કાપણીની મોસમ છે તેને ધ્યાનમાં રાખવામાં આવી છે.
વિજય માર્ગ મેળવવા સપ્તપદીના સાત વચન વડાપ્રધાન મોદીએ માંગ્યા
1. ઘરના વડીલો/વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખજો, જેમને કોઇ જુની બિમારી હોય તેમને કોરોનાથી ખાસ બચાવજો
2. લૉકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ પાલન કરજો. ઘરમાં બનેલા ફેસમાસ્કનો ઉપયોગ કરો.
3. પોતાની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) વધારવા આયુશ વિભાગે સૂચવેલા નુસખાનું પાલન કરો.
4. કોરોના સંક્રમણથી બચવા આરોગ્ય સેતુ મોબાઇલ એપ જરૂર ડાઉનલોડ કરો.
5. શક્ય હોય તેટલું ગરીબ પરિવારોની દેખરેખ રાખો, તેમના ભોજનની જરૂરિયાતને પુરી કરજો.
6. આપના વ્યવસાય/ઉદ્યોગોમાં કામ કરનારાઓ સાથે સંવેદના રાખો, તેમને નોકરીમાંથી ના કાઢશો.
7. દેશની જરૂરી સેવાઓમાં લાગેલા ડૉક્ટર, પોલીસ, નર્સોનું સન્માન કરો.