ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિધન થયું છે. 84 વર્ષીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને થોડા દિવસો પહેલા તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તેમજ તેમને મગજની સર્જરી માટે દિલ્હીની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સર્જરી બાદથી તેઓ વેન્ટિલેટર પર હતા. વાત કરવામાં આવે પ્રણવ મુખર્જીના જીવનની તો તેમનો જન્મ 11 ડિસેમ્બર 1935 ના રોજ પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના નાના ગામ મીરાતીમાં થયો હતો.
રાજકારણમાં પ્રવેશતા પહેલાં તેઓ દેશેર ડાક મેગેઝિનમાં પત્રકાર તરીકે પણ કામ કર્યું હતું. બાદમાં 1969 માં, તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો અને રાષ્ટ્રપતિ પદ પર પહોંચ્યા. પ્રણવ મુખર્જીને રાજકારણમાં લાવવાનો શ્રેય તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને જાય છે.
વર્ષ 1973-74માં ઇન્દિરાએ તેમને ઉદ્યોગ, શિપિંગ અને પરિવહન, સ્ટીલ અને ઉદ્યોગ રાજ્યમંત્રી અને નાણા રાજ્ય પ્રધાન બનાવ્યા. 1982માં તેઓ ઇન્દિરા ગાંધીની પ્રધાનમંડળમાં ભારતના નાણાં પ્રધાન બન્યા અને 1980 થી 1985 સુધી રાજ્યસભામાં ગૃહના નેતા રહ્યા.
મુખર્જીએ ભારતીય અર્થવ્યવસ્થા અને રાષ્ટ્ર નિર્માણ પર ઘણા પુસ્તકો લખ્યા છે. તેમને ઘણા એવોર્ડ અને સન્માન મળ્યા. આમાં 2008માં પદ્મ વિભૂષણ, 1997માં સર્વશ્રેષ્ઠ સંસદસભ્ય અને 2011માં ભારતમાં સર્વશ્રેષ્ઠ સંચાલકનો એવોર્ડ શામેલ છે.
પ્રણવ મુખર્જી વર્ષ 2012થી 2017 સુધી ભારતના રાષ્ટ્રપતિ રહ્યા હતા.. 2019માં મોદી સરકારે તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. પ્રણવ મુખર્જીને એવા વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે, જે પરસ્પર મતભેદોને ભૂલીને, દરેક રાજકીય પક્ષ દ્વારા આદર આપવામાં આવતા હતા.
મોદી સરકાર દ્વારા ભારત રત્ન માટે તેમના નામની પસંદગી તેના પુરાવા છે. મુત્સદ્દીગીરી, અર્થશાસ્ત્ર, રાજકારણ અને સંસદીય પરંપરાઓનું ફાંફડું ધરાવતા રાજકારણી હતા. રાષ્ટ્રપતિ તરીકે પણ તેમણે આવા અનેક કાર્યો કર્યા જે એક ઉદાહરણ બની ગયા. ભારતીય રાજકારણમાં તેમની અભાવ હંમેશા અનુભવાશે.