પીએમ મોદીએ બિન ગઠબંધન ચળવળ દેશોના વર્ચુઅલ સમ્મેલનમાં ભાગ લીધો. આ સમિટમાં પીએમ મોદીએ કહ્યું કે અમે દુનિયાભરના 123 દેશોમાં મેડિકલ સપ્લાઇ સુનિશ્ચિત કરાઇ છે. જેમાંથી 59 NAMના દેશો પણ સામેલ છે.
બિન ગઠબંધન ચળવળની આ સમિટ અઝરબેજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલિયેવના પ્રયાસ બાદ આયોજિત કરવામાં આવી છે. ઇલ્હામ અલિયેવ બિન ગઠબંધન ચળવળ આંદોલનના વર્તમાન ચેરમેન છે. પીએમ નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં સામેલ થયા છે
આ સમિટની શરૂઆત કરતા રાષ્ટ્રપતિ ઇલ્હામ અલિયેવે કોરોના મહામારી સામેની જંગમાં NAM ના સભ્ય દેશો વચ્ચે મેડિકલ ડેટાબેઝ તૈયાર કરવા અને આ બીમારીથી લોકોને છૂટકારો અપાવવા માટે સામાજિક અને માનવીય સહયોગ માટે સભ્ય રાષ્ટ્રોનું સ્વાગત કર્યું.
આ બેઠકમાં અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ અશરફ ઘનીએ અઝરબેજાનના રાષ્ટ્રપ્રમુખ દ્વારા બિન ગઠબંધન સમિટનું આયોજન કરવા માટે આભાર વ્યક્ત કર્યો. આ ઉપરાતં તેઓએ પીએમ મોદીનો પણ આભાર વ્યક્ત કર્યો છે. જેમણે કોરોના પર સાર્ક સમિટનું આયોજન કર્યું હતું. તેઓએ કહ્યું કે આ પ્રકારની સમિટ સમયની માંગ છે.
ઘનીએ તેની સાથે તાલિબાનને હિંસા છોડવાનો આગ્રહ કર્યો. આ બેઠકમાં યૂરોપીયન સંઘના ઉપપ્રમુખ જોસેફ બોરેલે કહ્યું કે આપણે કોરોના વિરુદ્ધ પહેલા કરતા વધારે ઝડપી રીતે લડાઇ લડવી પડશે. તેઓએ પેરિસ સંધિ પર દેશોને એકસાથે આવવા માટે આગ્રહ કર્યો. સાથે જ કાલ માટે એક વધુ સારી દુનિયા બનાવવાની અપીલ કરી. લોકોને આ મહામારીથી કેવી રીતે બચાવવા, તેના માટે એકજુટ થઇને મહામારી વિરુદ્ધ કાર્યવાહી કરવા કહ્યું.
આ બેઠકમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડાયરેક્ટર જનરલ ડૉ. અધમૉન ટેડરૉસે કહ્યું કે કોરોના મહામારીની વચ્ચે અલગ-અલગ દેશો વચ્ચે આંતરીક સહયગો વધારવો પડશે. સરકારી અને ખાનગી સંગઠનોએ એકમંચ પર આવીને કામ કરવું પડશે. તેઓએ કહ્યું કે આવા સમયમાં બિન ગઠબંધન ચળવળની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ બની જાય છે. કોરોના મહામારી વિરુદ્ધની લડાઇમાં સુધારો લાવવાની જરૂરિયાત છે.
બિન ગઠબંધન દેશોનું આ આંદોલન દુનિયાની સ્થિતિ-દિશા નક્કી કરવામાં પ્રભાવશાળી ભૂમિકા ભજવતુ રહ્યું છે. જોકે થોડા વર્ષો પહેલા તેની તાકાત વધુ હતી. NAM સંયુક્ત રાષ્ટ્ર બાદનું બીજુ સૌથી મોટુ રાજકીય સંગઠન છે. તેની સાથે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના 120 વિકાસશીલ દેશો જોડાયેલા છે.
કોરોના વાયરસ મહામારીને લઇને આયોજિત આ ઓનલાઇન સમિટમાં બિન ગઠબંધન ચળવળના સભ્ય દેશો એક રાજકીય દસ્તાવેજ જાહેર કરશે, જેનો વિષય હશે ‘કોવિડ-19 વિરુદ્ધ એકજુટતા’ આ દસ્તાવેજમાં એ વિશે પણ ચર્ચા કરાશે કે એનએએમના સભ્ય દેશ કોરોના વિરુદ્ધ જંગમાં કેવી રીતે એકબીજા સાથે સહયોગ વધારે અને માનવતાની સામે સંકટ બની ચૂકેલી આ બીમારીની સારવાર શોધે.