આજે પણ દેશમાં કોઈપણ જગ્યાએ કોઈ જગડો થાય તો તરત જ કહે છે કે હું તને કોર્ટમાં જોઈ લઇશ! દેશના કાયદા અને ન્યાય પ્રણાલી પર આજે પણ લોકોને એટલોજ વિશ્વાસ છે, પરંતુ શું તમે જાણો છો કે દેશ ભરની તમામ કોર્ટમાં કેટલા કેસ પેન્ડિંગ છે? આજે પણ કોર્ટમાં કેસનો વારો આવતા વર્ષો વીતી જાય છે.
કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુ શનિવારે એક દિવસની મુલાકાતે છત્તીસગઢ પહોંચ્યા હતા. જ્યાં તેમણે એક ઉદ્ઘાટન કાર્યક્ર્મમાં હાજરી આપી હતી. આ તકે તેમણે દેશની વિવિધ અદાલતોમાં પેન્ડિંગ કેસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે દેશની વિવિધ અદાલતોમાં પેન્ડિંગ કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે તે ચિંતાનો વિષય છે.
નોંધનીય બાબત છે કે આ વર્ષે માર્ચમાં કેન્દ્ર સરકારે લોકસભામાં માહિતી આપી હતી કે દેશની વિવિધ અદાલતોમાં 4.70 કરોડથી વધુ કેસ પેન્ડિંગ છે. ત્યારે આ વર્ષે 2 માર્ચ સુધી 70,154 કેસ તો ખાલી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતા. કાયદા પ્રધાન કિરેન રિજિજુએ તેમના લેખિત જવાબમાં કહ્યું હતું કે 21 માર્ચ સુધી 25 હાઈકોર્ટમાં 58,94,060 કેસ પેન્ડિંગ હતા. તેમણે કહ્યું હતું કે અરુણાચલ પ્રદેશ, લક્ષદ્વીપ અને આંદામાન-નિકોબારમાં પેન્ડિંગ કેસનો ડેટા નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ પાસે ઉપલબ્ધ નથી. કાર્યક્રમને સંબોધતા કિરેન રિજજુએ કહ્યું કે જ્યારે મેં કાયદા મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે વિવિધ અદાલતોમાં લગભગ 4.50 કરોડ કેસ પેન્ડિંગ હતા. હવે આ સંખ્યા વધીને 5 કરોડ જેટલી થવા આવી છે. તેમણે વધુમાં કહ્યું કે જો કે તેનો અર્થ એ નથી કે કેસનો નિકાલ થતો નથી, પરંતુ નવા કેસોની સંખ્યા એ કેસના નિકાલની સંખ્યા કરતા બમણી છે. ઉદાહરણ તરીકે, જો હાઈકોર્ટ એક દિવસમાં 300 કેસનો નિકાલ કરે છે, તો 600 નવા કેસ સુનાવણી માટે આવે છે.
કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ વધુમાં કહ્યું કે આ સમસ્યાને નજીકથી સમજવાની જરૂર છે. અદાલતોમાં કેસોના નિકાલનો દર વધ્યો છે અને ટેક્નોલોજીના અસરકારક ઉપયોગથી કેસોનો ઝડપી નિકાલ કરવામાં મદદ મળી રહી છે, પરંતુ જે ઝડપે પેન્ડિંગ કેસોની સંખ્યા વધી રહી છે તે ચિંતાજનક છે. ઈન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના નવા સેન્ટ્રલ સચિવાલયના ઈમારતના ઉદ્ઘાટન સમારોહમાં સમયે કહ્યું કે દેશમાં વેપાર વધી રહ્યો છે, તેથી વિવાદો વધી રહ્યા છે. જો ત્યાં કોઈ ધંધો નથી, તો ત્યાં કોઈ બાબતો નહીં હોય.
એક રીતે જોઈએ તો તે એક સકારાત્મક બાબત છે પરંતુ સકારાત્મક વિકાસ માટે કોઈ ને કોઈ ઉકેલ હોવો જોઈએ. આ દરમિયાન, તેમણે ITATની પણ પ્રશંસા કરી અને કહ્યું કે તેણે કોરોનાવાયરસને કારણે લાગુ લોકડાઉન દરમિયાન કેસોની પેન્ડન્સીમાં ઘટાડો કર્યો છે.