ભારતીય શેરબજારો ઉડી રહ્યા છે. સેન્સેક્સ-નિફ્ટી લગભગ દર બીજા દિવસે નવો ઈતિહાસ રચી રહ્યા છે. સેન્સેક્સ ગુરુવારે 66064.21ની નવી ટોચે પહોંચ્યો હતો અને 164 પોઇન્ટના ઉછાળા સાથે 65558.89ની વિક્રમી ટોચે બંધ રહ્યો હતો. બીજી તરફ, નિફ્ટી 50 એ પણ 19567ની સર્વકાલીન ટોચે પહોંચીને ઇતિહાસ રચ્યો હતો અને 19413 પર બંધ થયો હતો. જો બંને ઇન્ડેક્સમાં વૃદ્ધિ આ રીતે ચાલુ રહેશે તો આગામી દિવસોમાં નિફ્ટી 21000ની સપાટીએ પહોંચી જશે.
બ્રોકરેજ ફર્મ ICICI ડાયરેક્ટે જણાવ્યું છે કે નિફ્ટી 50 ઇન્ડેક્સ આગામી છથી નવ મહિનામાં 21,000 સુધી પહોંચવાની સંભાવના ધરાવે છે. બ્રોકરેજ માને છે કે નિફ્ટીના સર્વકાલીન ઉચ્ચ સ્તરે ભારતીય ઇક્વિટી માર્કેટમાં તેજીના વલણને મજબૂત બનાવ્યું છે અને આગામી કેટલાક વર્ષોમાં ભારતીય ઇક્વિટી અન્ય ઉભરતા અને વિકસિત બજારોને પાછળ રાખી દે તેવી અપેક્ષા રાખે છે.
“અમે 18,200 પર મજબૂત ટેકા સાથે માળખાકીય બુલિશ વલણનો પુનરોચ્ચાર કરીએ છીએ. નિફ્ટીમાં વર્તમાન બ્રેકઆઉટ CY14, CY17 જેવું જ છે જેમાં બ્રેકઆઉટ પછીના છ મહિનામાં ઇન્ડેક્સ 11% વધ્યો હતો,” બ્રોકરેજે એક નોંધમાં જણાવ્યું હતું. જોકે, ICICI ડાયરેક્ટે ગ્રાહકોને ચેતવણી આપી છે કે વર્તમાન રેલી 5 થી 7% સુધી કરેક્શન હોઈ શકે છે.
“2004 પછીની છેલ્લી ચાર સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં લેતા, નિફ્ટીએ ચૂંટણી વર્ષમાં ઓછામાં ઓછો 11% વધ્યો છે,” બ્રોકરેજે જણાવ્યું હતું. નિફ્ટીએ ગુરુવારે 19,567ની નવી ટોચને સ્પર્શી હતી. તેની માર્ચ 2023ની નીચી સપાટીથી ઇન્ડેક્સ 15% થી વધુ ઉપર છે. તેજીને મજબૂત અને સતત વિદેશી પ્રવાહ દ્વારા ટેકો મળ્યો હતો.