રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. હવે મુકેશ અંબાણી વિશ્વના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે જેનું મુખ્ય કારણ જિયો પ્લેટફોર્મ્સમાં સતત આવી રહેલું રોકાણ છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડીરેક્ટર દુનિયાના છઠ્ઠા સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. બ્લૂમબર્ગ યાદી અનુસાર મુકેશ અંબાણીની કુલ સંપત્તિ હવે 72.4 અબજ ડોલર છે અને ગૂગલના લેરી પેજને પાછળ કરીને હવે તે છઠ્ઠા સ્થાન પર પહોંચી ગયા છે.
આ પહેલા તેઓ દુનિયાના સૌથી મોટા રોકાણકાર વોરેન બફેને પાછળ કરીને આઠમા ક્રમે પહોંચ્યા હતા. નોંધનીય છે કે દુનિયાના દસ સૌથી અમીર વ્યક્તિની યાદીમાં મુકેશ અંબાણી એક જ ભારતીય છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનની સંપત્તિમાં વધારો થવાનું મુખ્ય કારણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં શેરમાં સતત વધારો છે. માર્ચ મહિનાથી આજ સુધી RILમાં શેરની સંખ્યા બેગણી થઇ ગઈ છે.
જીયોમાં તો છપ્પર ફાડ પૈસાની આવક થઇ રહી છે. જિયોમાં રોકાણ કરવા માટે વિશ્વની મોટી મોટી કંપનીઓ આતુર છે જેમાં ફેસબુક સાથે પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ડીલ કરી છે. જે બાદ કંપનીના શેરમાં તેજી જોવા મળી રહી છે.
ત્રણ મહિનામાં જિયોમાં 12 વિદેશી કંપનીઓએ રોકાણ કર્યું છે જેમાં ફેસબુક, સિલવર લેક, મુબાડાલા જેવી કંપનીઓ છે. અત્યાર સુધી કંપનીને જિયો પ્લેટફોર્મ્સમાં 25.09 ટકા હિસ્સેદારી મળી ગઈ છે. નોંધનીય છે કે વિશ્વના દસ સૌથી ધનાઢ્ય લોકોમાં પ્રથમ ક્રમે એમેઝોનમાં સીઈઓ જેફ બેઝોસ પછી બિલ ગેટ્સ અને બર્નાર્ડ અર્નોલ્ટનું નામ આવે છે. મુકેશ અંબાણી હાલ આ યાદીમાં છઠ્ઠા ક્રમે પહોંચી ગયા છે.