કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે પાર્ટીના નેતાઓને વ્યક્તિગત મતભેદોને બાજુ પર રાખીને પાર્ટીની સફળતાને પ્રાથમિકતા આપવાની અપીલ કરી હતી. તેમણે તેમના નેતાઓ પાસેથી અનુશાસન અને એકતા માટે આહવાન કર્યું અને કહ્યું કે તેઓએ એવું કંઈ ન કરવું જોઈએ જેનાથી પાર્ટીને નુકસાન થાય.
પાર્ટીની વર્કિંગ કમિટીની બેઠકમાં ખડગેએ કોંગ્રેસ નેતાઓને આગામી ચૂંટણી માટે તૈયાર રહેવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે દેશમાં પરિવર્તનના સંકેત દેખાઈ રહ્યા છે. હિમાચલ પ્રદેશ અને કર્ણાટકની વિધાનસભા ચૂંટણી તેનો પુરાવો છે.
મોદી સરકાર પર નિશાન સાધ્યું
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક દેશ, એક ચૂંટણીના મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે તેમના એજન્ડાને પૂરો કરવા માટે પીએમ મોદીએ આ વિષય પર એક સમિતિ બનાવી, જેની અધ્યક્ષતા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોંપવામાં આવી. તેમણે કહ્યું કે આગામી બે-ત્રણ મહિનામાં પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે, જ્યારે લોકસભાની ચૂંટણી છ મહિના દૂર છે.
સંગઠનાત્મક એકતા પણ મહત્વપૂર્ણ છેઃ ખડગે
ખડગેએ તેમની પાર્ટીના લોકોને જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે તૈયાર રહેવા જણાવ્યું હતું. તેમણે કહ્યું, ‘સંગઠનાત્મક એકતા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આનાથી આપણે આપણા વિરોધીઓને હરાવી શકીએ છીએ. આનું ઉદાહરણ કર્ણાટકમાં જોઈ શકાય છે, જ્યાં અમે એકસાથે આવીને જ અમારા વિરોધીઓ સામે જીત મેળવી શક્યા. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે વધુમાં કહ્યું કે, ‘હવે અમારા માટે આરામ કરવાનો સમય નથી. છેલ્લા 10 વર્ષમાં ભાજપના શાસનમાં સામાન્ય લોકો સામેના પડકારો બે ગણા વધી ગયા છે. પીએમ ખેડૂતો, ગરીબો, મજૂરો અને મહિલાઓ વિશે વાત કરવા માંગતા નથી.
તેમણે પાર્ટીના નેતાઓને કહ્યું કે તેમણે કેન્દ્રમાં ‘તાનાશાહી સરકાર’ને હટાવવા માટે તેમની તમામ તાકાત વાપરવી પડશે. કોંગ્રેસ અધ્યક્ષે આરોપ લગાવ્યો કે મોદી સરકાર મૂળભૂત મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે નવા મુદ્દાઓ લાવીને ધ્યાન ભટકાવવાની રાજનીતિ કરે છે.