કોવિડ 19ના વધતા કેસથી લોકોમાં ચિંતા ફેલાઈ હતી કે શું રકાર ફરી લોકડાઉન લાગુ કરશે કે નહીં. જો કે સરકારે આ ચર્ચાઓ મુદ્દે ખંડન કરીને કહ્યું હતું કે આ ફક્ત અફવાઓ છે. મંગળવારે કેન્દ્રના હેલ્થ મિનિસ્ટ્રીના સેક્રેટરી રાજેશ ભૂષણે દેશમાં ફરી લોકડાઉન લાગુ નહીં થાય તેવું નિવેદન આપ્યું હતું.
તેમણે કહ્યું હતું કે દેશમાં હાલ લોકડાઉન લાગુ કરવાની જરુર નથી. રાજ્યોની સાથે જ્યાં કોરોનાના કેસ વધુ આવ્યા છે તે વિસ્તારો એટલે કે કન્ટેનમેન્ટ ઝોન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે જ્યાં કોરોનાના કેસ વધે તે સ્થળે લોકડાઉન લાગુ કરવાના અધિકારો રાજ્યોની સરકારો અને સ્થાનિક સત્તાને અપાયેલા જ છે.
અન્ય એક સરકારી અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે કોઈ રાજ્યના એક ચોક્કસ વિસ્તાર, ગામ કે શહેરમાં કેસ વધે તો કેટલાક દિવસનું લોકડાઉન તેટલા વિસ્તાર પુરુતું લાગુ થઈ શકે છે. ઉદાહરણ તરીકે મધ્ય પ્રદેશે દર રવિવારે અને UPએ દર શનિવાર અને રવિવારે બજારો બંધ રાખવાનુ નક્કી કર્યું છે. મહારાષ્ટ્રે પૂણેમાં લોકડાઉન જાહેર કરેલું છે.
મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને એવી સૂચના આપવામાં આવી રહી છે કે રાજ્યો જ્યાં કેસ વધે છે તેવા વિસ્તારો પર સક્રિય થઈને નિયંત્રણ લાદે નહીંતર તેની અવળી અસર બીજે પણ પડી શકે છે અને કેસ વધી શકે છે. જો એ પછી પણ સ્થિતિમાં બદલાવ ન આવે તો રાજ્યો એટલા વિસ્તારમાં લોકડાઉન લાગુ કરી શકે છે.
નોંધનીય છે કે હાલ ભારતમાં સારા એવા રિકવરી રેટ છતાં પણ અત્યારે 3 લાખ 19 હજાર એક્ટિવ કેસીસ છે અને દેશમાં 24309 લોકોના કોરોનાના કારણે મોત નીપજ્યા છે.