સમગ્ર દેશમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે દેશમાં ત્રીજા તબક્કાનું લોકડાઉન પણ શરૂ થઈ ગયું છે. ત્યારે લોકડાઉન વચ્ચે 40 દિવસ પછી સોમવારે દેશનાં અનેક રાજ્યોમાં દારૂની દુકાનો ફરીથી ઓપન થઈ હતી. જ્યાં દારૂની દુકાન ઓપન થઈ હતી ત્યાં સોશિયલ ડિસ્ટન્સનાં લીરે લીરા ઉડ્યા હતા. પરિણામે દેશની રાજધાની દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ગણતરીનાં ક્લાકોમાં સરકારે દારૂની શોપ્સને બંધ કરવાની પરજ પડી હતી, જોકે, લૉકડાઉનમાં છૂટછાટનો પ્રથમ દિવસે જ સમગ્ર દેશમાં કરોડો રૂપિયાનો દારૂ વેચાયો હતો.
કોરોના સામેની લડાઈમાં દેશમાં ૪૦ દિવસથી લાગુ લૉકડાઉનનો ત્રીજો તબક્કો સોમવારે શરૂ થયો હતો. જોકે, આ ત્રીજા તબક્કામાં દારૂની દુકાનોને ખોલવાની મંજૂરી અપાઈ હતી. ઉત્તર પ્રદેશમાં સોમવારે એક જ દિવસમાં અંદાજે 100 કરોડ રૂપિયાનો દારૂ વેચાયો હતો જ્યારે કર્ણાટકમાં આબકારી વિભાગે જણાવ્યું કે દારૂની દુકાનો ખોલ્યાના પહેલા જ દિવસે અંદાજે ૪૫ કરોડ રૂપિયાના દારૂનું વેચાણ થયું હતું.
ઉત્તર પ્રદેશમાં દારૂની 26,000થી વધુ દૂકાનો ખુલતા લોકોની ભારે ભીડ જોવા મળી હતી. મળતી માહિતી મુજબ જ દિવસમાં રાજ્યમાં 26,000 થી વધુ દુકાનો પર અંદાજે 100 કરોડ રૂપિયાનો દારૂ વેચાયો હશે. રાજ્યમાં 40 દિવસે દારૂની દુકાનો ખૂલતાં લોકો તૂટી પડયા હતા. એ જ રીતે દિલ્હીમાં પણ અંદાજે સવારે ૯.૦૦ કે ૧૦.૦૦ વાગ્યાની આજુબાજુ દારૂની દુકાનો ખુલી હતી.
પરંતુ લોકોએ સવારે ૬.૦૦ વાગ્યાથી દુકાનોની બહાર લાઈન લગાવવાનું શરૂ કરી દેતાં ૨થી ૩ કિ.મી. લાંબી લાઈનો લાગી હતી. અનેક જગ્યાએ દારૂની દુકાનો પર લોકોએ પડાપડી કરી લૉકડાઉનના નિયમોનો છડેચોક ભંગ કર્યો હતો.
પરિણામેસરકારે થોડાક જ કલાકમાં દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ આપવો પડયો હતો. હરિયાણા, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર સહિતના અન્ય રાજ્યોમાં પણ દારૂની દુકાનો બહાર લાંબી લાઈનો લાગી હતી અને મોટી સંખ્યામાં લોકો દારૂ ખરીદવા ઉમટી પડયા હતા.