રાજસ્થાનના દૌસા જિલ્લામાં ગુરુવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક ખાનગી બસ અને બે ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન અકસ્માતમાં 45 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા.
નાંગલ-રાજવતનના ડીએસપી ચારુલ ગુપ્તાએ જણાવ્યું કે ભક્તોની બસ ઉજ્જૈનથી દિલ્હી જઈ રહી હતી, ત્યારે ગાઢ ધુમ્મસને કારણે આ અકસ્માત થયો હતો. ડીએસપીએ જણાવ્યું કે બસમાં મુસાફરી કરી રહેલા લગભગ 45 મુસાફરો ઘાયલ થયા છે, જેમાંથી 20 થી વધુને દૌસા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે ચાર લોકોને જયપુર રિફર કરવામાં આવ્યા છે અને કેટલાક ઘાયલોને સારવાર માટે નોઈડા અને દિલ્હી મોકલવામાં આવ્યા છે. ગુપ્તાએ જણાવ્યું હતું કે આ અકસ્માત દૌસા જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર લાહરી કા બસ પાસે થયો હતો.
પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતમાં બસનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળતાં જ જિલ્લા હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. દીપક શર્માની સૂચનાથી વધારાના ડૉક્ટરો અને સ્ટાફને તૈનાત કરવામાં આવ્યા હતા.