ITR રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ આજે છે. જો કોઈ વ્યક્તિ આજે મધ્યરાત્રિના 12 પછી રિટર્ન ફાઈલ કરે છે, તો તેને દંડ ભરવો પડી શકે છે. ઘણા કરદાતાઓ હજુ પણ રિટર્ન ફાઈલ કરવાની તારીખ લંબાવવાની રાહ જોઈ રહ્યા છે. ગયા અઠવાડિયે, મહેસૂલ સચિવે કહ્યું હતું કે સરકાર ITRની તારીખ લંબાવવા પર વિચાર કરી રહી નથી.
નાણાકીય વર્ષ 2022-23 માટે રિટર્ન ભરવાની આજે છેલ્લી તારીખ છે. અત્યાર સુધીમાં લગભગ 6 કરોડ કરદાતાઓએ રિટર્ન ફાઈલ કર્યું છે. જો તમે હજુ સુધી રિટર્ન ફાઈલ કર્યું નથી, તો તમારે આજે જ આ કામ કરી લેવું જોઈએ. જો કોઈ કરદાતા આજે રિટર્ન ફાઈલ ન કરે તો તે 31 ડિસેમ્બર 2023 સુધી આઈટીઆર ફાઈલ કરી શકે છે. આ માટે તેમને દંડ ભરવો પડશે. ઘણા કરદાતાઓ હજુ પણ તેની તારીખ વધુ લંબાવવામાં આવશે તેવી આશા સાથે બેઠા છે.
ગયા અઠવાડિયે, ભારતના મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ કહ્યું હતું કે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવવામાં આવે તેવી શક્યતા નથી. કોઈ પણ સંજોગોમાં, કરદાતાએ આજે જ રિટર્ન ફાઈલ કરવું જોઈએ. તે જ સમયે, દેશના પૂર પ્રભાવિત વિસ્તારોમાં રહેતા ઘણા કરદાતાઓ ઇચ્છે છે કે તેમના માટે ITR ફાઇલ કરવાની મર્યાદામાં થોડી છૂટછાટ આપવામાં આવે.
આ સિવાય ઘણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પણ કહે છે કે નાણા મંત્રાલયે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, દિલ્હી અને ગુજરાત જેવા પૂર પ્રભાવિત રાજ્યોમાં કરદાતાઓ અને નાના વ્યવસાયો માટે આ સમયમર્યાદા લંબાવવા પર વિચાર કરવો જોઈએ.
પૂર પ્રભાવિત રાજ્યોમાં રિટર્ન ફાઇલિંગ
પૂર પ્રભાવિત રાજ્યોના કરદાતાઓ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે, જેના કારણે ITR ફાઈલ કરવાની પ્રક્રિયામાં પણ વિલંબ થઈ રહ્યો છે. જો તેમને કોઈ છૂટછાટ મળશે તો તે તેમના માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. તમને જણાવી દઈએ કે આવકવેરા વિભાગે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે દેશમાં અત્યાર સુધીમાં 5 કરોડથી વધુ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. તેમાંથી 2 કરોડથી વધુ રિટર્નની ચકાસણી અને પ્રક્રિયા થઈ ચૂકી છે.
રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાની જરૂર છે
ઘણીવાર રિટર્ન ફાઈલ કરતી વખતે થોડો વિલંબ અથવા મુશ્કેલીઓ આવે છે. રિટર્ન ભરવાની પ્રક્રિયા જટિલ છે કારણ કે નાની ભૂલ કરદાતાને ભારે મુશ્કેલીમાં મુકી શકે છે. ઘણી વખત સંપૂર્ણ માહિતી ન હોવાના કારણે કરદાતાએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે જવું પડે છે. રિટર્ન ફાઈલ કરવાની પ્રક્રિયાને કાર્યક્ષમ બનાવવાની જરૂર છે જેથી કરદાતાને કોઈ ભૂલ કે વિલંબનો સામનો ન કરવો પડે.