દેશમાં કોરોના વાયરસ મહામારીના કારણે મંદ પડેલા અર્થતંત્રને ફરીથી વેગ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટા આર્થિક પેકેજની જાહેરાત કરી છે. દેશનાં જીડીપીના આશરે 10 ટકા 20 લાખ કરોડ રૂપિયાના ‘આત્મનિર્ભર’ બનવા માટેના આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી. આ આર્થિક પેકેજ દુનિયાના વિભિન્ન દેશો દ્વારા જાહેર કરવામાં આવેલ સૌથી મોટા આર્થિક પેકેજમાં એક છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આત્મનિર્ભર બનાવવા સૌથી વધુ ભાર આપ્યો. નોંધનીય છે કે અમેરિકાએ પોતાની જીડીપીનાં 13 ટકા જેટલું આર્થિક પેકેજ જાહેર કર્યું હતું. જ્યારે જાપાનની સરકારે જીડીપીના 21 ટકાથી પણ વધુનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે જ્યારે ગતરાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન દરમિયાન આ આર્થિક પેકેજ ભારતના જીડીપીના 10 ટકા હોવાનું કબુલ્યું હતું. જે બાદ ભારતનું કોરોના સામે લડવા માટેનું આર્થિક પેકેજ વિશ્વના ઘણા દેશો કરતા મોટું છે.
કોરોના સામે લડવા માટે અનેક દેશોએ આર્થિક પેકેજની જાહેરાત કરી છે જેમાં ફ્રાન્સે જીડીપીના 9.3%, ઈટાલીએ 5.7%, બ્રિટને 5% જ્યારે ચીને 3.8% જેટલું આર્થિક પેકેજ જાહેર કર્યું. આમ ભારતનું આર્થિક પેકેજ આ વિકસિત દેશો કરતા પણ મોટું છે.
આ પેકેજમાં રોકાણ માટે મોટી જાહેરાત થઇ શકે છે. ચીનને છોડી અન્ય દેશોમાં રોકાણ કરવા ઈચ્છુક કંપનીઓ માટે વિશેષ જાહેરાત કરવામાં આવી શકે છે. ભારતના આ 20 લાખ કરોડના આર્થિક પેકેજમાં આ પહેલાં જ જાહેર કરવામાં આવેલ 1.7 લાખ કરોડ રૂપિયાનું પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ પણ સામેલ કરવામાં આવશે.
જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેકેજને વિસ્તારમાં માહિતી આપી નથી પરંતુ નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફ્રેન્સ કરીને પેકેજમાં કઈ કઈ જાહેરાત કરવામાં આવી રહી છે તેની વિસ્તારથી માહિતી આપશે. સરકારના અંક્ડાઓ અનુસાર કોરોના સામે લડવા માટે સરકાર 13 થી 14 લાખ કરોડ વધારાના રૂપિયા અર્થતંત્રમાં નાખશે.