ભગવાન જગન્નાથના પુરી મંદિર સહિત દેશના ઘણા મંદિરો ખૂબ જ સમૃદ્ધ છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે આખરે ભગવાન જગન્નાથનું પુરી મંદિર કેટલું સમૃદ્ધ છે? આજની તારીખમાં જગન્નાથ મંદિરના દેવતાઓના હીરા, સોના અને ચાંદીના બજાર ભાવ શું હોઈ શકે? આ પ્રશ્નનો જવાબ છેલ્લા 45 વર્ષથી રહસ્ય જ રહ્યો છે કારણ કે મંદિરના રત્ન ભંડાર (તિજોરી)માં રાખવામાં આવેલા રત્નો અને આભૂષણોની યાદી છેલ્લે 1978માં બનાવવામાં આવી હતી. ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના એક અહેવાલ અનુસાર, 30 જૂને ઓરિસ્સા હાઈકોર્ટે પુરી મંદિરની કિંમતી વસ્તુઓની યાદી વિશે માહિતી માંગી છે.
વસ્તુઓની યાદી માટે રત્ન ભંડાર ફરીથી ખોલવાની માગણી કરતી હાઇકોર્ટમાં PIL દાખલ કરવામાં આવ્યા બાદ હાઇકોર્ટે બુધવારે રાજ્યની માલિકીની શ્રી જગન્નાથ મંદિર પ્રશાસનને એફિડેવિટ ફાઇલ કરવા માટે નોટિસ જારી કરી હતી. SJTAના ચીફ એડમિનિસ્ટ્રેટર રંજન કુમાર દાસે કહ્યું કે ‘અમે નોટિસનો અભ્યાસ કરીને જવાબ આપીશું’ રિપોર્ટ અનુસાર, જગન્નાથ મંદિરની બેંકમાં જમા રકમ લગભગ 600 કરોડ રૂપિયા હશે. મંદિરની તિજોરીમાં સોના અને ચાંદીના વાસ્તવિક જથ્થા અને તેની બજાર કિંમત વિશે કોઈની પાસે ચોક્કસ માહિતી નથી.
1978માં તૈયાર કરાયેલા રત્ન ભંડારની યાદીમાં 128 કિલો સોનાના ઘરેણા અને 221 કિલો ચાંદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જ્યારે જગન્નાથ મંદિર અધિનિયમ-1955 મુજબ દર ત્રણ વર્ષે રત્ન ભંડારની યાદી થવી જોઈએ, પરંતુ તેનો અમલ કરવામાં આવ્યો નથી. એકવાર 1926 માં અને ફરીથી ફક્ત 1978 માં, મંદિરના તિજોરીની વસ્તુઓની તપાસ કરવામાં આવી. 1978ની યાદીમાં જ્વેલરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું ન હતું. 2018 માં, રાજ્ય સરકારે રત્ન ભંડારને નિરીક્ષણ માટે ફરીથી ખોલવાનો પ્રયાસ કર્યો.
ચાવીઓ ન મળવાને કારણે અંદરના રૂમને ખોલવામાં અધિકારીઓ નિષ્ફળ જતાં કામ પૂર્ણ થઈ શક્યું નથી. એવું કહેવાય છે કે ભક્તો દ્વારા દાનમાં આપવામાં આવેલું સોનું રાષ્ટ્રીયકૃત બેંકમાં જમા કરવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેની માત્રા માત્ર 3 કિલોની આસપાસ છે. ઓડિશામાં મંદિરની 60,426 એકર જમીન છે. જ્યારે 6 રાજ્યો પાસે 395.2 એકર જમીન છે. જેમાં પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને બિહારનો સમાવેશ થાય છે.