ફરી એકવાર દેશમાં કોરોનાએ ગતિ પકડી છે. રોજે નવા નવા કેસ સામે આવી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળના DGCA વિભાગે હવાઈ પ્રવાસીઓ માટે એક ગાઈડલાઈન્સ જાહેર કરી છે જેમાં પ્રવાસીઓને એરપોર્ટ પર અને ફ્લાઈટની અંદર ફરજિયાત માસ્ક પહેરવાની એડવાઈઝરી જાહેર કરી છે. ગાઈડલાઈન્સમાં એવું જણાવાયું છે કે એરપોર્ટ અને ફ્લાઈટની અંદર પ્રવાસીઓ ફરજિયાત માસ્ક પહેરવુ પડશે, માસ્ક ન પહેરનાર પ્રવાસીઓ પાસેથી દંડ વસૂલવામાં આવશે.
ગાઈડલાઈન્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે પ્રવાસીઓ માસ્ક નહીં પહેરે તેમને અણઘડ અને બેજવાબદાર ગણવામાં આવશે અને તેમની પાસે દંડ વસૂલવામાં આવશે. જો વિમાનમાં સવાર કોઈપણ મુસાફર માસ્ક પહેરવાનો ઇનકાર કરે છે અથવા વારંવાર ચેતવણીઓ આપ્યા પછી પણ ‘યાત્રીઓ માટે કોવિડ પ્રોટોકોલ’નું ઉલ્લંઘન કરે છે, તો ફ્લાઇટ દરમિયાન, આવા મુસાફરને ‘અનરુલી પેસેન્જર’ તરીકે ગણવામાં આવશે,” DGCAએ જણાવ્યું હતું. દિલ્હી હાઈકોર્ટના 3 જૂનના આદેશને અનુરૂપ તેના નવીનતમ નિર્દેશો જારી કરવામાં આવ્યા છે.
નાગરિક ઉડ્ડયન નિયમનકારી સંસ્થાએ વધુમાં ઉમેર્યું હતું કે એરલાઇન્સ વધારાના ફેસ માસ્કની વ્યવસ્થા કરશે અને જો જરૂર પડશે તો મુસાફરોને પ્રદાન કરશે. DGCAની ગાઈડલાઈન્સ અનુસાર પ્રવાસીઓ તેમના પ્રવાસ દરમિયાન જો કોઈ અપવાદરુપ કેસ ઊભો થાય અથવા તો કોઈ એવા સંજોગો સર્જાય કે જેમાં માસ્ક ઉતારવું જરુરી હોય તો જ તેઓ માસ્ક ઉતારી શકશે અન્યથા નહીં.
ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે એરપોર્ટ અને વિમાનોમાં જે વ્યક્તિ માસ્ક પહેરવાના નિયમનું પાલન નહીં કરે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોર્ટે કહ્યું હતું કે કોરોના ગયો નથી. તેથી કોવિડ પ્રોટોકોલનું પાલન જરુરી છે. કોર્ટે કહ્યું કે જે વ્યક્તિ કોરોનાના નિયમોનું પાલન નહીં કરે તેમની પાસે દંડ લેવાવો જોઈએ અને તેમને નો ફ્લાય ઝોનની યાદીમાં મૂકી દેવા જોઈએ.
DGCAની ગાઈડલાઈન્સમાં એવું પણ જણાવાયું છે કે એરલાઈન એ સુનિશ્ચિત કરશે કે જો કોઈ મુસાફર વારંવારની ચેતવણીઓ પછી પણ ઉપરોક્ત સૂચનાઓનું પાલન ન કરે તો, તેને/તેણીને, જો જરૂર હોય તો, પ્રસ્થાન પહેલાં ઉતારી દેવી જોઈએ.