દેશમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થતી જોવા મળી રહી છે. કોરોનાનું સંક્રમણ ફેલાતુ રોકવા કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે સતત સંપર્કમાં છે. તેમજ વધુમાં વધુ લોકોનો કોરોના ટેસ્ટ અને વેક્સિનેશન પર ભાર આપવામાં આવી રહ્યો છે. દેશમાં ચાલી રહેલ રસીકરણ અભિયાન વચ્ચે એક ચોંકાવનારા અહેવાલ પણ સામે આવ્યા છે.
દેશમાં કોરોનાની રસીના અલગ અલગ રાજ્યોમાં 58 લાખથી વધારે ડોઝ બેકાર થઈ ગયા છે. કેન્દ્ર સરકારે તેનો એક ડોઝ 150 રુપિયાના લેખે ખરીદ્યો હતો. આ હિસાબથી રસીકરણના 88 દિવસમાં સરકારને 87 કરોડથી વધારે નુકસાન થઈ ચૂક્યુ છે. રાજ્યોમાં રસીકરણના તાજા સમીક્ષા રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં આપવામાં આવેલા 1.06 કરોડ ડોઝમાંથી 90 લાખનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે 5 લાખથી વધારે ડોઝ ખરાબ થઈ ગયા છે. રિપોર્ટ મુજબ કેરળ એકમાત્ર એવુ રાજ્ય છે જ્યાં એક પણ ડોઝ ખરાબ નથી થયો. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે કેટલાક રાજ્યોમાં રસી બર્બાદ થવાનો દર હજું પણ 8 ટકા છે જે ચિંતાજનક છે.
વેક્સિનના ડોઝ ખરાબ થવા પાછળનું કારણ એ છે કે કોવિશીલ્ડના એક વોયલમાં 10 લોકોના ડોઝ હોય છે. જ્યારે કોવાક્સિનના એક વોયલમાં 20 ડોઝ હોય છે. એક વાર વોયલ ખુલી જાય છે તો ચાર કલાક માટે અંદરના તમામ ડોઝ લગાવવા જરુરી છે. પરંતુ કેન્દ્ર પર જોવા મળી રહ્યુ છે કે એક એક વોયલમાં 4થી 5 ડોઝ ખરાબ થઈ રહ્યા છે.