કોરોના વાયરસના વધતા જતા કેસોની સાથે મંકીપોક્સના કેસોએ પણ સમગ્ર વિશ્વને એક નવી મુશ્કેલીમાં મૂકી દીધું છે. વિશ્વના લગભગ 29 દેશોમાં મંકીપોક્સના કેસ નોંધાયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે, અત્યાર સુધીમાં મંકીપોક્સના 1000 થી વધુ કેસની પુષ્ટિ થઈ છે. આ દરમિયાન, નિષ્ણાતોએ મંકીપોક્સ વાયરસ વિશે એક આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે. યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) ના નિષ્ણાતોએ જણાવ્યું કે, મંકીપોક્સ વાયરસ હવા દ્વારા પણ ફેલાય છે. નિષ્ણાતોના મતે, જો કોઈ વ્યક્તિ ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે સતત રૂબરૂ સંપર્કમાં રહે છે, તો આ વાયરસ હવા દ્વારા ફેલાય છે. જોકે નિષ્ણાતો માને છે કે મંકીપોક્સ વાયરસ હવામાં વધુ અંતર સુધી મુસાફરી કરી શકતો નથી. નિષ્ણાતોએ લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે.
શુક્રવારે એક બ્રીફિંગ દરમિયાન, સીડીસીના વડા રોશેલ વેલેન્સકીએ જણાવ્યું હતું કે, ઘણી જગ્યાએ મંકીપોક્સ લક્ષણોવાળા દર્દીઓ સાથે શારીરિક સંપર્ક અને તેમના કપડાં અને પથારીને સ્પર્શ કરવાથી થાય છે, સીડીસીએ પ્રવાસીઓ અને લોકોને મંકીપોક્સથી પોતાને બચાવવા માટે માસ્ક પહેરવાની તેમજ મંકીપોક્સથી સંક્રમિત વ્યક્તિ સાથે સંપર્ક ટાળવા સલાહ આપી છે.
સીડીસીએ તેની બ્રીફિંગમાં એ પણ સ્પષ્ટ કર્યું કે મંકીપોક્સ વાયરસ, જે શરીરમાં ફોલ્લીઓનું કારણ બને છે, તે કોવિડ 19 વાયરસ જેટલા સમય સુધી હવામાં ટકી શકતો નથી. નિષ્ણાતે એમ પણ કહ્યું કે આ વાયરસ બીજા કોઈના સામાનને સ્પર્શવાથી અથવા દરવાજા અથવા લૅચને સ્પર્શ કરવાથી ફેલાતો નથી, જેમ કે આપણે કોરોના વાયરસ દરમિયાન અગાઉ જોયું હતું. નિષ્ણાતોના મતે, મંકીપોક્સના અત્યાર સુધીમાં જે પણ કેસ નોંધાયા છે તે તમામ ચેપગ્રસ્ત વ્યક્તિના સીધા સંપર્કમાં આવ્યા છે. સીડીસીએ લોકોને મંકીપોક્સ વાયરસથી બચાવવા માટે માસ્ક પહેરવાની સલાહ આપી છે.