આજે રામ કાજનો દિવસ છે. 492 વર્ષ પહેલાં બાબરના કહેવાથી અયોધ્યામાં વિવાદિત માળખું બનાવવામાં આવ્યું હતું. 1885માં પહેલીવાર કોર્ટમાં આ વાત સ્વીકારવામાં આવી હતી. 2019માં સુપ્રીમ કોર્ટે રામલલ્લાના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. તેના 9 મહિના પછી અયોધ્યામાં રામ મંદિર માટે ભૂમિપૂજન થઈ રહ્યું છે.
ત્યારે રામ મંદિર ભૂમિ પૂજનને માટે અયોધ્યા તૈયાર છે. પીએમ મોદી અયોધ્યા આવવા નીકળી ચૂક્યા છે. ભૂમિપૂજનનું શુભ મૂહૂર્ત 12.44 મિનિટનું છે. ઉલ્લેખનીય છે કે આ મૂહૂર્ત ફકત 32 સેકંડનું છે. અહીં ખાસ સુરક્ષા સાથે પીએમ મોદી પહોંચશે.
રામ જન્મભૂમિ પરિસર અને આસપાસના વિસ્તારોને રેડ ઝોન જાહેર કરાયા છે. રામ જન્મભૂમિ પરિસરમાં સુરક્ષાને લઈને તમામ બંદોબસ્ત એસપીજીએ સંભાળી છે. સુરક્ષાના આધારે સિક્યુરિટી કોડથી એન્ટ્રીની વ્યવસ્થા કરાઈ છે. આજે હનુમાનગઢીમાં પીએમ મોદી હાજર રહેશે ત્યારે અયોધ્યા તરફથી ચાંદીનો મુગટ અને ગમછો ભેટમાં આપવામાં આવશે.
મળતી માહિતી મુજબ બપોરે 12.30 વાગે વડાપ્રધાન મોદી તેનું ખાદ્ય મુહૂર્ત કરશે. નોંધનીય છે કે, મોદીની ભાજપ પાર્ટીએ 10માંથી8 લોકસભા ચૂંટણીમાં અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો વાયદો કર્યો હતો અને સૌથી સારી વાત એ છે કે તેનું સૌથી પહેલું આમંત્રણ ઈકબાલ અંસારીને મોકલવામાં આવ્યું છે, જેઓ બાબરી મસ્જિદના પક્ષકાર રહ્યા હતા.
મહત્વનું છે કે આઝાદી પછી મોદી એક માત્ર એવા વડાપ્રધાન છે, જેઓ આ પદ પર રહીને રામલલ્લાના દરબારમાં હાજર રહેશે. તેમના પહેલા ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી પોતે વડાપ્રધાન તરીકે અયોધ્યા પહોંચ્યા હતા પરંતુ રામલલ્લાના દર્શન કરી શક્યા નહતા.
તૈયારીની વાત કરવામાં આવે તો શ્રીરામ જન્મભૂમિ પરિસરમાં ભૂમિપૂજન માટે એક સ્ટેજ બનાવવામાં આવ્યું છે. તેના પર માત્ર પાંચ લોકો હશે. આ પાંચ લોકોમાં વડાપ્રધાન મોદી, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ હાજર રહેશે.
તે સિવાય બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અંસારી, સમાજસેવી અને પદ્મશ્રી મોહમ્મદ શરીફ, કોઠારી બંધુની બહેન પૂર્ણિમા કોઠારી ભૂમિપૂજનમાં સામેલ થશે.કોરોનાના કારણે ભૂમિપૂજન સમારોહમાં માત્ર 175 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાં દેશના કુલ 36 આધ્યાત્મિક પરંપરાઓના 135 સંત સામેલ છે.